Site icon Revoi.in

ગુજરાતમાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી નવ મહિનામાં રૂપિયા આઠ કરોડથી વધુની સહાય અપાઈ

Social Share

ગાંધીનગરઃ  રાજ્યના નાગરિકોને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે ઓપરેશનના ખર્ચમાં સહાયતા કરવા માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સહાય મંજૂર કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્યના નાગરિકોની સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટે ત્વરિત કામગીરી થાય તે માટે યોગ્ય નિર્ણયો કરવામાં આવ્યા છે અને તેના લીધે નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી રાહતફંડમાંથી વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 306 કેસ માટે ₹8.5 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હતી.

રાજ્યમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે ઓપરેશનના ખર્ચમાં સહાયતા આપવામાં આવતી હોય છે. નાગરિકોની અરજી બાદ, કિડની, કેન્સર, હૃદય અને લીવરના રોગોની સારવાર/ઓપરેશન માટે માન્ય હોસ્પિટલમાં નિર્ધારિત ખર્ચના અંદાજના 1/3 ભાગની સહાય મુખ્યમંત્રીના રાહતફંડમાંથી ચૂકવવામાં આવે છે. અગાઉ વાર્ષિક એક લાખની આવક ધરાવતા નાગરિકોને આ લાભ મળતો હતો, પરંતુ રાજ્ય સરકારે હવે વધુ નાગરિકો સુધી લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી, જાન્યુઆરી 2022ના ઠરાવથી ₹4 લાખની આવક મર્યાદા ધરાવતા નાગરિકોને પણ રાહતફંડમાંથી સહાય ચૂકવવાનું મંજૂર કર્યું છે.  જેમાં તા. 1-10-2011થી તા. 20- 09—2022  સુધીના ગાળામાં, કુલ 3472 અલગ-અલગ કેસમાં ₹ 36 કરોડથી વધુની  સહાય મંજૂર કરવામાં આવી છે, જ્યારે 01-01-2022થી 20-09-2022 સુધીમાં કુલ મંજૂર 333 કેસમાં રૂ. 8.9  કરોડની સહાય મુખ્યમંત્રીના રાહતફંડમાંથી નાગરિકોને ચૂકવવામાં આવી છે.

રાજકોટમાં રહેતા 61 વર્ષીય મંજુલાબેન વિઠ્ઠલભાઇ સરધારાને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોઇ, તેમને રાહતફંડમાંથી રૂ. 2,33,000 મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તબીબોના માર્ગદર્શનથી અને આ સહાયથી તેમને ઘણો ફાયદો થયો છે અને મુખ્યમંત્રીના રાહતફંડની સહાયની કામગીરી ખૂબ સારી છે.

અમરેલીના બાબપુરમાં રહેતા 21 વર્ષીય કેયુરભાઇ રાજેશભાઇ ગોંડલિયાને હૃદયમાં ખામી સર્જાતા, હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ હતી. આવા સમયે મુખ્યમંત્રી રાહતફંડમાંથી ₹ 7,50,000 ની સહાય મંજૂર થવાથી તેમને સારવારમાં મોટી રાહત થઇ હતી. કેયુરભાઇના પરિવારજનોએ આ સહાય માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.