ગુજરાતમાં આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ’ની મથામણ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, રાષ્ટ્રીય નેતાઓની સભાઓ પણ યોજવામાં આવી રહી છે. ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું હોવા છતાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી 40 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારથી ભાજપને ચિંતા પેઠી છે. અને હવે આદિવાસી વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીની બે જનસભા આદિવાસી વિસ્તારોમાં યોજવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં ભાજપ સામે નારાજગી હોવાના સંકેત પાર્ટીને મળ્યા હતા. આદિવાસી મતદારોના પ્રભાવવાળી 40 બેઠક છે. આ વોટ બેન્કને નારાજ થતી રોકવા તાપી રીવર લીન્ક પ્રોજેક્ટ બંધ પણ કરી દેવાયો છે. આ વિધાનસભાની બેઠકો ચૂંટણી પરિણામમાં મોટો ભાગ ભજવી શકે છે. આથી જ વડાપ્રધાન મોદી, કોંગી નેતા રાહુલ ગાંધી, ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલ આ વિસ્તારમાં પ્રવાસો કરી ગયા છે. આ વખતે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ ભરૂચના ચંદેરિયામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ સાથે જોડાણ કર્યું હતું. આદિવાસી વિસ્તાર પર વર્ષોથી કોંગ્રેસનું પર્ભુત્વ રહ્યું હતું. પરંતુ ભાજપે આદિવાસી સમાજના મોટા માથાઓને ભાજપમાં પ્રવેશ આપીને કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં પછડાટ આપી હતી. હવે આદિવાસી સમાજ થોડો જાગૃત બન્યો છે. પોતાના લાભાલાભ સમજવા લાગ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, 1985માં કોંગ્રેસે આદિવાસીઓ માટે આરક્ષિત તમામ 26 બેઠકો જીતી હતી. જ્યારે 1990માં તેમાંથી 19 બેઠકો ગુમાવી હતી. 2012માં 27 આદિવાસી અનામત વિસ્તારોમાં કોંગ્રેસે 16 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપને માત્ર 10 બેઠકો મળી હતી.2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 27માંથી માત્ર 9 બેઠકો જ જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. પરંતુ કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે મોટા ગજાના નેતાઓને પોતાની તરફ કરી લીધાં છે. કોંગ્રેસના અશ્વિન કોટવાલ, જીતુ ચૌધરી, મંગલ ગાવિત જેવા ઘણા મોટા આદિવાસી નામો ભાજપમાં જોડાઈ ગયાં છે. ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી, પછી એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની. કોંગ્રેસનો પ્રચાર, પણ આ જ વિસ્તારમાંથી શરૂ થતો હતો..આદિવાસી ઉમેદવારો માટે 27 સીટ ભલે અનામત રહી પણ વિધાનસભાની 40 જેટલી બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. અને તેથી આદિવાસી મતો કબજે કરવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે.