Site icon Revoi.in

ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ જિલ્લામાં ચૂંટણીલક્ષી માહિતી મેળવવા મીડિયા સેન્ટર શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર હાઈટેક રહેશે. અને તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લાભરની માહિતી પલવારમાં પ્રદેશ કાર્યાલયને મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં માહિતી મીડિયા સેન્ટર નવરાત્રી દરમિયાન  શરૂ કરી દેવામાં આવશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતનાં મહાનગરો ખાતે તેમજ જિલ્લા સ્તરે સ્થાપેલા કમલમ્ કાર્યાલય ખાતે મીડિયા સેન્ટરની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે દરેક જિલ્લામાં પરિસ્થિતિ અને અલગ ઘટનાઓ બનતી હોય છે. આવા સંજોગોમાં સ્થાનિક સ્તરેથી જ મીડિયા સાથે સરળતાથી સંપર્ક સાધવા માટે ભાજપ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. દરેક જિલ્લા સ્તરે સ્થાનિક કાર્યકરો, નેતા અને અગ્રણીઓ તો કાર્યાલયની મુલાકાતે આવતા જ હોય છે પરંતુ જિલ્લા સ્તરેથી સામાન્ય રીતે ભાજપના નેતાઓ મીડિયા સાથે સંકલન સાધી અને જિલ્લા પૂરતી તમામ માહિતી સરળતાથી લોકો સુધી પહોંચાડી શકે તેમજ સંકલન સાધવામાં સરળતા રહી શકે તે હેતુથી પણ મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિના શુભ દિવસોમાં જ આ તમામ શહેરોમાં  મીડિયા સેન્ટરો કાર્યરત થઈ જશે. અલબત્ત, ક્યાંક એકાદ દિવસ આગળ પાછળ હોઈ શકે છે પરંતુ એકંદરે તમામ જિલ્લા મથકમાં નવરાત્રિ દરમિયાન મીડિયા સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ ભાજપ પ્રદેશ સંગઠને પૂરી કરી દીધી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017ની ચૂંટણીમાં દોઢ માસ અગાઉ પણ ભાજપે મીડિયા સેન્ટર શરૂ કર્યાં હતાં. જે તે સમયે પણ સ્થાનિક સ્તરેથી જ સમગ્ર પ્રચાર-પ્રસાર હાથ ધરવામાં આવ્યો હતો. આમ, ભાજપ આ પ્રક્રિયાનું વર્ષ 2022માં પણ ફરીથી પુનરાવર્તન કરી અને સંકલન સરળ બનાવી રહ્યું છે. ભાજપ સંગઠન દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યની તમામ વિધાનસભાનું નિરીક્ષણ સરળતાથી થઈ શકે તે માટે 182 નિરીક્ષકોની યાદી થોડા સમય અગાઉ જ જાહેર કરવામાં આવી છે. જેથી કરીને સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને વધારે મજબૂત બનાવી શકાય. રાજ્યની 182 વિધાનસભાના વિવિધ મુદ્દા છે. આ તમામ વિધાનસભા બેઠક પર સરકારે કરેલી કામગીરીની વાત મીડિયા સુધી પહોંચાડવા માટે ભાજપે અગાઉથી જ વિધાનસભા દીઠ મીડિયા પ્રભારીની પણ નિમણૂક કરી છે. પ્રત્યેક વિધાનસભા માટે પાંચ જેટલા મીડિયા પ્રભારી પણ ભાજપે નીમ્યા છે, જે મીડિયા મારફતે પ્રજા સુધી સરકાર અને સંગઠનની વાત પહોંચાડે છે.