અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી જેવી સ્માર્ટ સ્કુલો ગુજરાતમાં નથી તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. તેની હવે ભાજપ સરકારે પણ સ્માર્ટ સરકારી સ્કુલો બનાવાનું આયોજન કર્યું છે. અને પ્રથમ તબક્કે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ અમદાવાદની સરકારી શાળાઓ પણ સ્માર્ટ બની રહી છે, ત્યારે અમદાવાદમાં આજે એક સાથે 31 જેટલી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. શહેરના સાયન્સ સિટીમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સ્માર્ટ સ્કૂલોનું ઇ-લોકાર્પણ કરશે. અગાઉ 20 સ્માર્ટ સ્કૂલોનું શરૂ કરવામાં આવી હતી, ત્યારે વધુ 31 શરૂ થતાં આંકડો 51 સુધી પહોંચશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ અને મધ્યમવર્ગના બાળકો પણ ખાનગી શાળાના બાળકોની જેમ સ્માર્ટ શિક્ષણ મેળવે તે હેતુથી સરકાર દ્વારા રાજ્યમાં વર્ષ 2017થી સ્માર્ટ સ્કૂલનો કોન્સેપ્ટ અપનાવ્યો છે. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 20 જેટલી સ્માર્ટ સ્કૂલ તૈયાર કરી વિદ્યાર્થીઓને સ્માર્ટ લર્નિંગ આપવામાં આવી રહ્યું છે. ધીરે ધીરે આ સ્માર્ટ સ્કૂલનો કોન્સેપ્ટ અમદાવાદના આ દરેક વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. જેના પગલે દરેક વોર્ડ માટે તૈયાર થયેલી વધુ 31 સ્માર્ટ સ્કૂલ વિદ્યાર્થીઓને મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સ્માર્ટ સ્કૂલનું ઇ લોકાર્પણ કરશે. આવી જ રીતે અન્ય 11 સ્માર્ટ સ્ફુલ પણ તૈયાર થઈ રહી છે, જેને ડિસેમ્બર સુધીમાં શરૂ કરીવામાં આવશે. આમ અમદાવાદમાં કુલ 51 સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા હાથ ધરાયું છે. આ સ્માર્ટ સ્કૂલમાં સાયન્સ લેબ, મેથ્સ લેબ, ડિજિટલ વર્ગ, લેપટોપ સાથે અભ્યાસ, 3D દીવાલ, ડ્રોન, સ્કિલ ડેવલોપમેન્ટનો અભ્યાસ સહિતની સુવિધા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે. નવી 31 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ થતાં 16000 કરતા વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.