અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. અને આવતા મહિને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પણ કરી દેવામાં આવશે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ચૂંટણી જોડાણ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે
કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 126 બેઠકો પર ડીપોઝીટ ગઇ હતી અને તેથી જ હવે બે જ બેઠક લડવાની તૈયારી બતાવી આ પક્ષે હાર સ્વીકારી લીધી છે. ગુજરાતમાં આંધળો અને બહેરો બન્ને ભેગા થયા છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આંધળો અને બહેરો બન્ને ભેગા થયા છે. “કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. બન્ને પાર્ટી મને લાગે છે કે અંધારામાં છે. આપમાં ચૈતર વસાવા સિવાય અન્ય ચારમાં આપની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી. આ ગઠબંધન કરી જીતવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાવનગર સીટ ભાજપની મજબૂત સીટ છે. પાટિલે આપ અને કોંગ્રેસના ગઠબંધનને આંધળો અને એક બહેરાનું ગઠબંધન ગણાવ્યું હતું. પાટિલે પ્રહાર કરતા કહ્યું કે, આંધળા અને બહેરા ભેગા થયા છે અને દિવા તળે સપના જોઇ રહ્યા છે, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શકયતા જોતા નથી,ગુજરાતની જનતાને માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ 26 બેઠકો સતત ત્રીજી વખત ભાજપ જીતશે અને અમારો સંકલ્પ જે પાંચ લાખ મતોની લીડનો છે તે ચોક્કસપૂર્ણ કરશે. લોકસભા ચૂંટણી વખતે આ બધા પક્ષો દેખાય છે પરંતુ આવા ગઠબંધનને ગુજરાતમાં જસ મળવાનો નથી. ભરુચ અને ભાવનગર બંને બેઠકો આમ આદમી પાર્ટીને ગઇ છે. આ બંને બેઠકો અમારો મજબૂત ગઢ છે અને વર્ષોથી જીતતા આવ્યા છીએ આંધળા અને બહેરા ભેગા થઇને ગુજરાત જીતવા માટે દિવા સ્વપ્ના જોઇ રહ્યા છે. કોંગ્રેસે ગત 44 બેઠકો પર ડીપોઝીટ ગુમાવી હતી અને 17 જીત્યા તેમાં પણ ઘણા બધા ઓછા થઇ ગયા છે. આ સ્થિતિમાં કોંગ્રેસના જ ચૂંટાયેલા લોકો જીતની શક્યતા જોઇ શકતા નથી.