અમદાવાદ: દેશમાં નોટ્સ બંધી બાદ વડાપ્રધાને લોકોને નાણાકિય વ્યવહાર ડિજિટલમાં કરવા અપીલ કરી હતી. હવે લોકોમાં પણ નાણાકિય વ્યવહાર ડિજિટલ માધ્યમથી કરવા લાગ્યા છે. એટલે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે. લોકો હવે પોતાના મોબાઈલના માધ્યમથી નાના પેમેન્ટ પણ કરવા લાગ્યા છે. છૂટાની માથાકૂટ નહીં, રૂપિયા સાચવવાની ચિંતા નહીં, અને ખાસ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન સલામત હોવાથી લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ પુરાવવાથી લઈને નાની-મોટી ખરીદીમાં પણ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. કોરોના વાયરસને પગલે દુનિયાભરમાં અનેક પરિવર્તનો આવ્યા છે. ગુજરાતના લોકો પણ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા છે. આનો સૌથી મોટો પુરાવો છેલ્લા નવ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધાયેલો 120 ટકાનો વધારો છે. આમ તો લોકો રોકડ વ્યવહાર કરવા માટે ટેવાયેલા છે, પરંતુ કોરોનાએ અનેક લોકોને ઓનલાઇન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા કરી લીધા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે 2020-21ના જૂનથી સુધીના નવ મહિના દરમિયાન ગુજરાતમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 120 ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે જૂન, 2020માં રૂપિયા 12.75 કરોડની સરખામણીમાં માર્ચ, 2021માં રૂપિયા 28.12 કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા છે. અમદાવાદ ખાતે SLBCની મળેલી બેઠકમાં એસએલબીસી, ગુજરાતના કન્વિનર એમ.એમ. બંસલે જણાવ્યું હતુ કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ખાસ કરીને UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાને કારણે આવું થયું છે. આ દરમિયાન મોટાભાગની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો યુપીઆઈ પ્લેટફોર્મ પર આવી હતી. કોરોના ઉપરાંત લોકોમાં આ અંગે જાગૃતિ આવી હોવાથી પણ ટ્રાન્ઝેક્શનમાં વધારો નોંધાયો છે. દેશમાં UPIને વર્ષ 2016માં લોંચ કરવામાં આવ્યું હતું. જે બાદમાં દેશમાં UPI ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો ઘટાડો એપ્રિલ 2020માં નોંધાયો હતો. જ્યારે ટ્રાન્ઝેક્શન એક બિલિયનમાથી ઘટીને 990 મિલિયન થઈ ગયા હતા. ટ્રાન્ઝેક્શન કિંમત ઘટીને 1.51 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આનું મુખ્ય કારણ દેશભરમાં લોકડાઉનને કારણે મોટાભાગની સેવા જેવી કે ટ્રાવેલિંગ, ડાઇનિંગ, ઇ-કોમર્સ અને ઑફલાઇન ટ્રાન્ઝેક્શન બંધ હોવાનું હતું.
તાજેતરમાં NPCI તરફથી UPIને લગતા મે મહિનાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે મે, 2020માં 2.53 બિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જે એપ્રિલ મહિનામાં નોંધાયેલા 2.64 બિલિયન ટ્રાન્ઝેક્શન કરતા 4 ટકા ઓછા છે. ટ્રાન્ઝેક્શન કિંમતની વાત કરવામાં આવે તો એપ્રિલ, 2021માં 4.93 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા જેની સામે મે મહિનામાં 4.90 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે.