ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની પૂરવાર થઈ રહી છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ 485 કેસમાં 763 આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 6 હજાર 4 કરોડ 52 લાખ 24 હજારથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. યુવાનોને નશાના ચૂંગાલમાંથી છોડાવવા તથા પોલીસનું મનોબળ વધારવાના આશયથી દેશભરમાં ગુજરાતે ડ્રગ્સ રિવોર્ડ પોલીસી અમલી બનાવી છે જેના પરિણામે છેલ્લા એક વર્ષમાં મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું છે, અને એક પણ ડ્રગ્સ વેચનારને જામીન મળ્યા નથી.
તેમણે ઉમેર્યું કે, NCRBના વર્ષ 2021ના અહેવાલ મુજબ હિંસાત્મક-શરીર વિરુદ્ધના ગુનાઓમાં ભારતના 36 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત અનુક્રમે 32 અને 31માં ક્રમે છે. જ્યારે ડ્રગ્સ પકડવામાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત પોલીસે ગુજરાત બહાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સ જેવા સામાજિક દુષણ સામે લડવાને બદલે રાજનીતિ કરીને કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતાએ પાપ કર્યું છે. NCRBના 2021ના અહેવાલમાં કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી.
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાત પોલીસના અધિકારીઓએ ભિખારી, પાણીપુરીવાળા અને દૂધવાળા બનીને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસન વખતે શાકભાજીની આડમાં ડ્રગ્સ વેચવાવાળા સલીમને ગુજરાત પોલીસે પકડ્યો છે.
ગૃહ રાજ્ય મંત્રીએ NCRBના વર્ષ 2021ના અહેવાલ મુજબ ગુજરાત સાથે અન્ય રાજ્યો/યુટીના ક્રાઈમ રેટની સરખામણી કરતા જણાવ્યું હતું કે, હિંસાત્મક ગુનામાં સમગ્ર ભારતનો ક્રાઈમ રેટ 30.2 છે ત્યારે ગુજરાતનો 11.9 છે. જેમાં ગુજરાત 32માં સ્થાન પર છે. શરીર વિરુદ્ધના ગુના જેવા કે ખૂન, બળાત્કાર, અપહરણમાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ 80.5 જ્યારે ગુજરાતમાં 28.6 છે જેમાં ગુજરાત 31 માં સ્થાને છે. મિલકત વિરુદ્ધના ગુનામાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ 55.8 છે જ્યારે ગુજરાત 21.7 સાથે 27માં સ્થાને છે. ચોરીના ગુનામાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ 42.9 છે ત્યારે ગુજરાત 15.2 સાથે 27ક્રમાંકે છે. ઘરફોડ ગુનામાં સમગ્ર ભારતમાં ક્રાઈમ રેટ 7.2 પર છે ત્યારે ગુજરાત 4.2 સાથે 24 માં ક્રમે છે. લૂંટમાં સમગ્ર ભારતનો ક્રાઈમ રેટ 2.1 છે જ્યારે ગુજરાત 0.8 ક્રાઈમ રેટ સાથે 23માં સ્થાને છે. ધાડ ગુનામાં 36 રાજ્યો અને યુટીની સરખામણીએ ગુજરાતનું સ્થાન 14માં ક્રમાંકે છે. મહિલાઓ વિરુદ્ધ ગુનામાં સમગ્ર ભારતની ક્રાઈમ રેટ 64.5 છે જ્યારે ગુજરાત 22.1 સાથે ગુજરાત 33માં ક્રમાંક છે. બાળકો વિરુદ્ધના ગુનામાં સમગ્ર ભારત 33.6 છે જેની સરખામણીએ ગુજરાત 21.6 ક્રાઈમ રેટ સાથે 27માં ક્રમે છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં સત્તા વિહોણી કોગ્રેસ સત્તા મેળવવા હવે બેબાકળી બનીને સપના જોઈ રહી છે. આજે ડ્રગ્સ મામલે કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે જે નિવેદનો કર્યા છે તેની કડક આલોચના કરતાં તેમણે કહ્યું કે,તેઓ અભ્યાસ વગરના નિવેદનો કરીને રાજયના નાગરિકોને ગેરમાર્ગે દોરી ગુમરાહ કરવા નીકળ્યા છે એ શોભતું નથી રાજયની પ્રજા હવે એમને ઓળખી ગઈ છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ હતી..છે..અને રહેશે જ. રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી મુકત કરવા એ અમારી પ્રાથમિકતા છે એટલે જ અમે રાજકીય દ્રઢ ઈચ્છાશકિતના પરિણામે અનેકવિધ કડક પગલાંઓ લઈ રહ્યા છીએ એના પરિણામે જ રાજયમાં ડ્રગ્સ પેડલરો પગ મૂકતાજ ફફડે છે ત્યારે કયા મોઢે ગુજરાતને બદનામ કરવા તેઓ નીકળ્યાછે, અન્ય રાજયોની શું સ્થિતિ છે એ પણ ખોટા આરોપો મુક્નારે જોવાની જરૂર છે.
તેમણે કહ્યું કે,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લઈ રહી છે અને આ ભગિરથ કાર્યમાં જનતાનો પણ વ્યાપક સહયોગ પણ મળી રહ્યૌ છે એટલેજ રાજ્યના યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબારને નાથવામાં અપ્રતિમ સફળતા મળી રહી છે એટલુંજ નહી રાજયની તમામ દરિયાઈ સીમાઓ સુરક્ષિત છે ત્યારે ગુજરાત પોલીસનું મોરલ તોડવાનો તેમને હકક નથી.