Site icon Revoi.in

ગુજરાતમાં પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારાને લીધે ભણતર બન્યું મોંધું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે સ્કૂલો ખૂલતા વાલીઓ દ્વારા પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ વગેરેની ખરીદી ચાલી રહી છે. જે દરેકમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે શિક્ષણ ફી સિવાય એક બાળકદીઠ વાલીને પાઠ્ય પુસ્તકનો અંદાજે 3600 રૂ.નો ખર્ચ થઇ રહ્યો હતો. જેમાં વધારો થતા વાલીને બાળક દીઠ રૂ.400ના વધારા સાથે 4 હજાર ચૂકવવા પડી રહ્યા છે. આમ ભણતર મોંધું બની રહ્યું છે. જેમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે.

રાજ્યમાં શાળાઓમાં વર્ષ 2023-24નું શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ અભ્યાસ કાર્ય ચાલુ થઇ ગયો છે બાળકોને ભણાવવા માટે વાલીનો મુખ્ય ખર્ચ શિક્ષણ ફી હોય છે. સરકારે ફી નિયમન કાયદો લાવતા ખાનગી શાળાઓની ફી પર અંકુશ આવી ગયો છે. જ્યારે ફી સિવાયના અન્ય ખર્ચ બેફામ રીતે વધતા વાલીઓ માટે ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે. સ્કૂલોમાં પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ શિક્ષણનું અનિવાર્ય અંગ હોવાથી શૈક્ષણિક વર્ષ શરૂ થતા વાલીઓને પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મની ખરીદી કરવી જરૂરી બને છે. વાલીઓની પરિસ્થતિનો લાભ લઇને ખાનગી પ્રકાશનો અને યુનિફોર્મ ઉત્પાદકો દર વર્ષે ભાવ વધારો કરે છે. છેલ્લા 1 વર્ષથી કાગળનો ભાવ વધતા પાઠ્ય પુસ્તકો અને ફુલસ્કેપ ચોપડામાં 20 થી 25 ટકાનો અને દરજીકામની મજૂરી વધતા યુનિફોર્મના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત સીએનજીનો ભાવ વધતા સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનનું ભાડુ 10 થી 15 ટકા વધ્યું છે. હાલ રિક્ષા કે વાનનું મહિને 1200 થી 2000 રૂ. થઇ જતા સ્કૂલની વાર્ષિક ફી કરતા ભાડાનો ખર્ચ વધુ થાય છે. આમ ફી સિવાય ઇત્તર ખર્ચાઓ વધતા વાલીઓ માટે શિક્ષણ મોંઘુ બની રહ્યું છે.

વાલીઓના કહેવા મજબ વર્તમાન સમયે બાળકોને સારું શિક્ષણ મળે તેની દરેક માતા પિતા ચિંતા કરતા હોય છે. પરંતુ પુસ્તકો,સ્કુલ ડ્રેસ અને અન્ય જરૂરી ચીજ વસ્તુના ભાવ સતત વધતા રહે છે. જેને કારણે શિક્ષણ દિવસેને દિવસે મોઘુ થઇ રહ્યું છે. આવા સમયે સરકારે પુસ્તકોના ભાવ કાબુમાં રહે તે માટે પ્રયાસ કરવા જોઇએ. જ્યારે બુકસેલર્સના કહેવા મુજબ સ્ટેશનર્સનું કમિશન વર્ષો પહેલા પણ 10થી 15 ટકા હતું તેમાં વધારો થયો નથી. પ્રકાશનોએ એમઆરપી વધારતા વાલીને બુકસેટ દીઠ વધુ પૈસા ચૂકાવવા પડે છે. બુકસેલર્સના કમિશન કે નફામાં કોઇ ખાસ વધારો થયો નથી.