Site icon Revoi.in

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકારની સહાયની જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યાં હતા. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે, ચિંતિત ખેડૂતોની મદદ રાજ્ય સરકાર આવી છે. તેમજ સરકારે નુકસનીનું વળતર ચુકવવા માટે નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

ભરૂચમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સર્વે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.

હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટમ્બસને કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો અને વરસાદની આગાહી કરી હતી. દરમિયાન રાજ્યમાં આજે સવારે 4 કલાકના સમયગાળામાં જ 28 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નવસારીના વાંસદામાં લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ આજે સવારે પૂરા થતા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાક અને યાર્ડમાં પડેલી જણસને નુકસાન થયું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને માવઠાથી ભોગવવી પડતી પાક નુકસાનીના મામલે સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી.