ગુજરાતમાં ખેડૂતોએ 85 હજારથી વધારે હેકટરમાં ખરીફ પાકનું કર્યું વાવેતર
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણીની આતુરતાથી રાહ જોતા ખેડૂતો હાલ ખેતીના કામમાં જોતરાયાં છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોનું અત્યાર સુધીમાં કુલ 85896 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને કપાસના પાકનું વાવેતર થયું છે
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કપાસનું 42516 હેકટરમાં વાવેતર થયુ છે અને મગફળીનું 35999 હેકટરમાં વાવેતર થયુ છે. ઉપરાંત સોયાબિનનું 1410 હેકટરમાં વાવેતર થયું છે. મકાઈનું 61 હેકટરમાં, શાકભાજીનું 3171 હેકટરમાં, ઘાસચારનું 2714 હેકટરમાં, તુવેરનું 16 હેકટરમાં, મગનું 10 હેકટરમાં, ધાન્ય પાકોનું 61 હેકટરમાં, કઠોરનું 26 હેકટરમાં અને તેલીબિયાં પાકોનું 37409 હેકટરમાં વાવેતર થયું છે. ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડવાની આશા છે. જેથી ખરીફ પાકનું વાવેતર પણ વધવાની ખેડૂતો આશા રાખી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં શનિવારે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને 48 કલાકની અંદર જ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થશે. દરમિયાન રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો અને ગામોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયાં હતા.