Site icon Revoi.in

ગુજરાતમાં કોંગ્રેસના પાંચ સિનિયર નેતાઓ ચૂંટણી નહીં લડે, પણ યુવાનોને તક આપીને જીતાડશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિ અને કેન્દ્રીય નેતાઓની મળેલી સ્ક્રિનિંગ કમિટીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશના નેતાઓ ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી રાજ્યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. યુવાનોને તક આપવા અને મહેનત કરીને તેમને વિજ્યી બનાવવા સિનિયર નેતાઓએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  કોંગ્રેસ આ વખતે યુવાઓને આગળ લાવવા માંગે છે. જેના કારણે પીઢ થઇ ચુકેલા નેતાઓને સાઇડ લાઇન કરવામાં આવે તેવી શકયતા છે. આ બાબત હવે સાચી ઠરી છે. ગુજરાતમાં કોંગ્રેસ હાઇકમાન્ડનાં કુલ પાંચ નેતાઓ આ વખતે વિધાનસભા ચૂંટણી નહી લડે તેવું નક્કી કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક યુવાઓ નેતાઓ ઉચ્ચપદસ્થ નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજીનામું આપી ચુકયાં છે. હાર્દિક પટેલે પણ આક્ષેપો કર્યા હતા કે, ઉચ્ચ પદસ્થ નેતાઓ ન તો સાઇડ આપે છે કે ન તો સાઇડ કાપે છે. છકડાની જેમ તેઓ નડતા જ રહે છે. જેના કારણે યુવાઓ અને અનેક પ્રતિભાઓ કોંગ્રેસમાં દબાઇને જ રહે છે.આ ઉપરાંત હાલમાં જ રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા પાંખના નેતાઓના રાજીનામા આપ્યા હતા. જેથી ગુજરાત કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત હવે હાઇકમાન્ડનાં તમામ ટોપ નેતાઓને કાપી નાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

સૂત્રોના કહેવા મુજબ  હાલ કોંગ્રેસનાં પાંચ દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહી લડે. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રિય મંત્રી  ભરતસિંહ સોલંકી, તથા  સાંસદ શકિતસિંહ ગોહિલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હજી પણ અનેક નેતાઓનાં નામ આ યાદીમાં આવી શકે છે તેમ સુત્રો જણાવી રહ્યા છે. જો કે તેના કારણે પેદા થયેલો અસંતોષ કઇ રીતે ખાળી શકાશે તે હાલ કોંગ્રેસ માટે પણ પડકાર છે. (File photo)