રાજ્યના પૂર્વ ધારાસભ્યો પાસે સરકારી લેણાં બાકી હશે તો પગાર-પેન્શન રોકીને વસુલાત કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ધારાસભ્યોને સરકારી ક્વાટર્સ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ મળતી હોય છે. સરકિટ હાઉસ અને સરકારી ગેસ્ટ હાઉસમાં સરકારે નક્કી કરેલા મામુલી દરે રહેવા તથા ભોજનની સુવિધા પણ મળે છે. ઘણા ધારાસભ્યો એવા છે કે ચૂંટણીમાં હારી જવાથી કે ટિકિટ ન મળવાથી પૂર્વ ધારાસભ્યો બની ગયા છે. જેમાં કેટલાક ધારાસભ્યોના સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવાના ભોજનના તેમજ અન્ય સરકારી લહેણું બાકી છે. ઉપરાંત જે પૂર્વ ધારાસભ્યો સરકારી કવાટર્સ ખાલી કરતા નથી. એટલે જ્યાં સુધી ક્વાટર્સ ખાલી ન કરે ત્યાં સુધી વધુ ભાડુ ચુકવવું પડતું હોય છે. પણ કેટલાક ધારાસભ્યો વધુ ભાડુ ન ચુકવતા હોવાથી સરકારી લહેણું બાકી બોલતું હોય છે. આથી સરકારે પૂર્વ ધારાસભ્યોના પગાર કે પેન્શન રોકીને સરકારી લહેણું વસુલ કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યોને રહેવા માટે ઘર અને અન્ય સુવિધાઓ આપવામાં આવતી હોય છે. એક જનપ્રતિનિધિ તરીકે તેઓ પ્રજાના પ્રશ્નોનો અવાજ ઉઠાવી શકે અને તેમને આ કામગીરીમાં કોઈ અગવડ ન પડે તે આશયથી સરકાર દ્વારા તેમને ઘર અને માસિક વેતન સહિત અનેક પ્રકારના ભાડાં-ભથ્થાં આપવામાં આવે છે. જોકે, જ્યારે ધારાસભ્યની ટર્મ પુરી થાય ત્યારે તે ધારાસભ્યએ સરકાર તરફથી આપવામાં આવેલાં ઘરને ખાલી કરવાનું હોય છે. જોકે, ઘણાં કિસ્સાઓમાં એવું સામે આવ્યું છેકે, એકવાર સરકારી ઘરમાં રહેવાની આદત પડ્યા બાદ પૂર્વ ધારાસભ્યો જલદી ઘર ખાલી કરતા નથી. સરકારી ઘરોમાં અડિંગો જમાવીને બેસી ગયેલાં અને વિવિધ બિલ ન ભરતા નેતાઓ હવે સરકારની નજરમાં આવી ગયા છે. હવે આ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. આ મુદ્દે સરકારે તાકિદે પગલા લેવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત જે પણ પૂર્વ ધારાસભ્ય જો નિયમ વિરુદ્ધ સરકારી ઘરનો ઉપયોગ કરતા હશે તો તેમની ઘર ખાલી કરવું પડશે. તેમજ પુર્વ ધારાસભ્યોના સદસ્ય નિવાસસ્થાનના બિલ બાકી હશે તો તેમને છેલ્લા મહિનાનો પગાર અથવા પેન્શનમાંથી આપવામાં આવશે . ક્વાર્ટર ખાલી ન કરનારા અને નો ડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યાં છે. ઘણા પુર્વ સભ્યોના ક્વાર્ટરનું ગેસ અને ટેલિફોનનું બિલ ભરવાનું બાકી હોવાનું કહેવાય છે. આ બધી બાબતોને કારણે સરકારી તિજોરી પર સખત ભારણ વધી રહ્યું છે.