ગુજરાતમાં 1લી એપ્રિલથી 15 વર્ષ જુના અનફિટનેસ વાહનો રોડ પર દોડી નહીં શકે, ભંગારમાં જશે
અમદાવાદઃ દેશમાં 1લી એપ્રિલ 2023થી મોટરવ્હીકલની નવી પોલિસી અમલમાં આવી જશે. જેમાં 15 વર્ષ જુના અનફિટ વાહનો રોડ પર દોડી શકશે નહીં, આવા વાહનોને ફરજિયાત ભંગારમાં આપવા પડશે. ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસી બનાવી છે. અને તેનો અમલ 1લી એપ્રિલથી શરૂ કરી દેવાશે. સૌ પ્રથમ કોમર્શિયલ વાહનો પર તવાઈ આવશે. જે ટ્રક, ટેન્કરો, ટેમ્પા સહિતના વાહનો 15 વર્ષ જુના અને અનફિટ હશે તો તેને રોડ પર દોડાવી શકાશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા નિયમો જાહેર કર્યા છે. જેને કારણે 15 વર્ષ જૂના તમામ વાહનો ભંગારવાડામાં ન જાય એ માટે વાહન માલિકોએ ફિટનેસ પોલીસી કરાવવી પડશે. રિન્યુઅલ થયેલા વાહનો સામે પણ કાર્યવાહી થશે. 15 વર્ષ જૂના તમામ વાહનો માટે 1 એપ્રિલથી નવા નિયમો આવી રહ્યાં છે. સ્ક્રેપિંગ પોલીસીનો અમલ કરવા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે તૈયારી આદરી છે. 15 વર્ષ જુનું વાહન હશે તો તે માર્ગ પર દોડી શકશે નહી. આવા વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. જો ફિટનેસ સેન્ટરમાં ફેઇલ થશે તો તે વાહન ભંગારવાડામાં જશે. જોકે આરટીઓની કામગીરીમાં એપ્રિલથી વધારો થશે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટરો શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 45 લાખથી વધુ વાહનો 15 વર્ષ જૂના છે. આ તમામ વાહનો ભંગારમાં નાખવા પડકાર સમાન છે. વાહનોની ફિટનેસ જાણવા માટે કમ્પ્યુરાઇઝ્ડ ફિટનેસ સેન્ટર શરૂ કરવા ગુજરાતમાં તૈયારીઓ આરંભાઇ છે. વાહન વ્યવહાર વિભાગે નિયત ધારાધોરણો આધારે અત્યાર સુધીમાં કુલ 240 ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી છે. આ ખાનગી ફિટનેસ સેન્ટરોમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગે ફિટનેસ સેન્ટરના સંચાલકો અને વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે. ખાનગી કંપનીઓને વધુમાં વધુ 10 ખાનગી ફિટનેસ સેન્ટર ખોલવા મંજૂરી અપાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી ફિટનેસ સેન્ટરમાં રૂા.200 ફી ચૂકવીને 15 વર્ષ જૂના વાહનનુ ફિટનેસ જાણી શકાશે. વાહન માલિકને બે વાર તક અપાશે. જો બીજી વાર વાહન ફિટનેસમાં ફેલ થશે તો વાહનને ભંગારવાડામાં મોકલાશે. એટલું જ નહીં, નવું વાહન ખરીદવા માટે રોડૅ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં મુક્તિ આપવા પ્રોત્સાહન આપવા વિચારણા ચાલી રહી છે. સ્ક્રેપિંગ પોલીસી હેઠળ સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાતમાં ખાનગી ફિટનેસ સેન્ટર શરૂ થઇ જશે. ફિટનેસ સેન્ટર માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહમાં જ મંજૂરી મળી જાય તેવી સંભાવના છે. સુરતમાં સૌથી પહેલું ફિટનેસ સેન્ટર પણ શરૂ કરાશે. ખાનગી ફિટનેસ સેન્ટરમાં વાહન ફિટનેસ જાણીને વાહનમાલિકને ફિટને પ્રમાણપત્ર આપવામાં આવશે. ખાનગ ફિટનેસ સેન્ટરમાં ગેરરીતિ થવાની શક્યતા રહેલી છે તે જોતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સરકારી ફિટનેસ સેન્ટર શરૂ કરવા પણ નક્કી કર્યુ છે. જો વાહનમાલિકને લાગે કે પોતાનું વાહન ફીટ છે અને પ્રામણપત્ર નથી મળી રહ્યું તો સરકારી ફિટનેસ સેન્ટરમાં પણ અરજી કરી શકે છે. આ માટે સરકાર બાવળા અને અંજારમાં સરકારી ફિટનેસ સેન્ટર કાર્યરત કરશે.