Site icon Revoi.in

ગુજરાતમાં રાત્રે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી, નાતાલથી કડકડતી ઠંડી પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં  હાલ રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે ગરમી એમ બે ઋતુનો અનુભવ થી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 4 ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં 15થી 17 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ  ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી. જોકે રાજ્યમાં અન્યત્ર ઠંડીના પ્રભુત્વમાં વધારો અનુભવાઇ શકે છે.

રાજ્યમાં નવેમ્બર મહિના દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં પ્રથમ વખત 7 ડીગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. 23 નવેમ્બરે લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયું હતું. ત્યાર બાદ 25 નવેમ્બરે 12 ડીગ્રી થઈ ગયું હતું. આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી પડશે. ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો વધતાં વૃદ્ધો અને દર્દીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આગામી  ડિસેમ્બર મહિનામાં માવઠા થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય–પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને ગાત્રો થીજવતી ઠંડીની પડવાની શક્યતા છે.

રાજયમાં હાલ રાત્રે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ પરોઢના ટાણે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ હતું, તેની સાથે ગુલાબી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડીગ્રી થવાની સંભાવના છે.