અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી 500થી વધુ રોડ રસ્તાઓ બંધ થતાં લીલા શાકભાજી અને ફળોની અછત સર્જાતા ભાવો આસમાને પહોચ્યા છે. ચાતુર્માસનો પ્રારંભ અને જયા પાર્વતીના વ્રતને લીધે ફળોની માગમાં પણ વધારો થયો છે, ત્યારે ફળોના ભાવમાં પણ અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં વાવાતર કરેલા લીલા શાકભાજી કોહવાઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા 50 ટકાથી વધુ પાક ખરાબ થઈ ગયો હતો. તેમજ વરસાદના કારણે મોટા ભાગના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા તેમજ જિલ્લાની અનેક નદીઓમાં ધોડા પુર આવતા જિલ્લાના અને ગ્રામ્યના અનેક ધોરી માર્ગો બંધ કરવા પડ્યા છે. જેના લીધે ટ્રાન્સપોર્ટેશનને પણ અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટરોએ ભાવ પણ વધારી દીધા છે. આથી શાકભાજીની અને ફલોની આવક ઘટી ગઈ છે, બીજી બાજુ માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ વધી ગયો છે. આમ શાકભાજીના જથ્થાબંધ ભાવમાં વધારો થતાં તેના છૂટક બજારમાં પણ ભાવમાં અસામાન્ય વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક શાકભાજી તથા ફળોની પરપ્રાંતમાંથી યાને બીજો રાજ્યોમાંથી સારી એવી આવક થતી હોય છે.પરંતુ વરસાદને લીધે બહારના રાજ્યામાંથી ફળો અને શાકભાજીની આવક ઘટી ગઈ છે. રાજ્યના છૂટક બજારમા ચોળી કિલોના રૂ. 100થી રૂ. 120, ભીડા કિલોના રૂ.100થી 120, ટીડોડાના કિલોના રૂ.100થી રૂ. 120, પાલક કિલોના રૂ.150થી રૂ. 160, મેથી રૂ.120થી રૂ.140, દૂધી 50થી રૂ.60, તૂરીયા રૂ.100થી રૂ130 જેટલા ભાવે વચાઈ રહ્યા છે. જ્યારે ફળોમાં પણ ભાવો આસમાને પહોંચ્યા છે. જેમાં સફરજન કિલોના રૂ.200થી રૂ.250, ચીકુ રૂ.100, કેરી રૂ.180થી રૂ.200, કેળા રૂ.60માં ડઝન, તેમજ ચેરી, મોસબી, નારંગીના ભાવો પણ આસમાને પહોચ્યા છે. ચાતુર્માસ અને દીકરીઓના વ્રતના ટાણે જ ફળોના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ઉપરાંત લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા મોધવારીના માર વચ્ચે લોકો પીસાઈ રહ્યા છે.