Site icon Revoi.in

ગુજરાતમાં માવઠાંએ કૃષિપાકનો દાટ વાળ્યો, બાગાયતી પાકને નુકશાન, અનેક વૃક્ષો ધરાશાયી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાતા કૃષિ પાકને નુકશાન થયું છે. ઉપરાંત અનેક વૃક્ષો પણ ધરાશાયી બન્યા છે. ગીર પંથક અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેરીના પાકનો સોથ વળી ગયો છે. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી પાકને પણ સારૂએવું નુકશાન થયું છે. ખેડુતોએ વળતર આપવાની માગ કરી છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં ખેતી પાકને નુકશાન થયાની બુમ પડી છે. જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથેના વરસાદથી પારાવાર નુકસાની થઇ છે, જેમાં ખાસ કરીને કેરીના વેપારીઓ અને ઈજારેદારોને લાખોનું નુકસાન થયું છે. એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરી ઓછી આવી છે. એમાં પણ ભારે પવન ફૂંકાતાં મોટા ભાગની કેરીઓ ખરી પડતાં ખેડૂતો અને ઈજારેદારોને નુકસાન થયું છે. એને લઈ આંબાના બગીચાધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવઝોડા સાથે કમોસમી માવઠાના પગલે તબાહીનું મંજર વચ્ચે બાગાયત પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સર્જાવા પામી છે. જેમાં લીંબુ, દાડમ અને સરગવા સહિતના બાગાયત પાકોને નુકસાન થવાની સાથે ભારે પવન સાથે વરસાદ થયો હોવાના કારણે પાક ખરી પડ્યો હતો. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જેમાં બાગાયત પાક નુકશાનનો ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે તેવું સુરેન્દ્રનગર બાગાયત ખેતી વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા વચ્ચે બાગાયત ખેતીના ઝાડ પણ તૂટી પડ્યા હતા.

આ ઉપરાંત નવસારી જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ માસના બીજા તબક્કામાં કેરી માર્કેટમાં ઠલવવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આ વર્ષે માત્ર 30થી 50% કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. એવામાં નવસારી જિલ્લાના વાંસદામાં વરસેલા માવઠાને કારણે કેરીના પાકનો સોથ વળી ગયો છે.

વલસાડ જિલ્લામાં કરાં અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાથી આંબાવાડીઓમાં કેરીના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. એને લઇને વલસાડ ડિઝાસ્ટર મામલતદારે તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.