અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફોરો અનુભવાય રહ્યો છે. અને વરસાદ સાંબેલાધારે તૂટી પડશે એવુ લાગી રહ્યું પણ મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી. રાજ્યમાં છૂટા-છવાયા વિસ્તારમાં વરસાદના સમયાંતરે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી. આજે શુક્રવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તેમજ 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે વહેલી સવારે અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ થરાદમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે ગુરૂવારે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 61 તાલુકામાં ઝાપટાંથી લઈવે બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં બોટાદમાં બે ઈંચ, તથા પલસાણા, ઓલપાડ, સૂત્રાપાડા, અને નવસારીમાં એક ઈંચથી વધુ, તેમજ બાકીના 57 તાલુકામાં ઝાપટાંથી લઈવે એક ઈંચ વરસાદ પડ્યો હતો.
સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામાણી કરી છે. શહેરના વરાછા, અઠવાલાઈન, રાંદેર, અમરોલી સહિત સમગ્ર શહેરમાં સવારે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાહનચાલકો પણ પરેશાન થયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ઉચ્છલ-નિઝર હાઇવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નિઝર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી.