ગુજરાતમાં સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાત્રે ઠંડી, લોકોને અડધા શિયાળે ત્રણ ઋતુનો અનુભવ
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભથી ગરમી ઠંડી મિશ્રિત ઋતુ અને માવઠાનો અનુભવ લોકો કરી રહ્યા છે. અડધો શિયાળો વિતિ ગયો એટલે કે માગશર મહિનો હવે પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે હજુપણ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી પાંચ દિવસ હવામાનમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો લોકોને અનુભવ થશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે. જોકે માવઠાની કોઇ શક્યતા નથી. તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થશે નહીં અને ઠંડી યથાવત રહેશે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિયાળાના બે મહિના પુરા થવાની તૈયારીમાં છે. હજુ પણ કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો નથી. ગત વર્ષ કરતા આ વર્ષે ડિસેમ્બર મહિનાનું તાપમાન વધુ હોવાથી આ વર્ષે ઠંડીની અસર સામાન્ય કરતા ઓછી વર્તાઇ છે. એટલે કે, વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાને કારણે ઠંડીનો અનુભવ ઓછો થયો હતો. આ ઉપરાંત લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં બહું ફરક ન હોવાને કારણે પણ ઠંડીની અસર ઓછી થતી હોય છે. ઠંડીનું ઓછુ પ્રમાણ ગ્લોબલ વોર્મિંગની અસર છે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં નીચેના સ્તરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ધુમ્મસ અને ઝાકળભર્યુ વાતાવરણ છે. તેને કારણે વહેલી સવારે ઠંડી પણ વધુ લાગે છે. બાદમાં તાપમાનમાં વધારો થતાં અને સૂર્યપ્રકાશને કારણે દિવસ દરમિયાન ઠંડી ઓછી વર્તાય છે. આગામી 5-7 દિવસ સુધી સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાતના સમયે ઠંડીનો લોકોને અનુભવ થશે. અમદાવાદનું તાપમાન યથાવત રહેશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. તથા 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.