Site icon Revoi.in

ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં વધુ 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બનતા આંકડો 50 પર પહોંચ્યો

Social Share

ગાંધીનગરઃ શહેર નજીક રાયસણ ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં ગઈકાલ સુધીમાં 41 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા હતા. જે પૈકી એક વધુ વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે આજે વધું 10 કેસ નોંધાતાં પોઝિટિવ કેસનો આંકડો અડધી સદીને પાર થયો છે.

ગુજરાતમાં કોરોનાના કેસ સંપૂર્ણ કાબુમાં આવી ગયા બાદ ફરીવાર કોરોનાના કેસો એ દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રથમ 34 કેસ નોંધાયા બાદ કેસ વધીને 41 સુધી પહોચ્યા હતા, ત્યારબાદ 10 કેસ નોંધાતા કોરોનાના સંક્રમિત વ્યક્તિઓનો આંકડો 50ને વટાવી ગયો છે. આજે રાજ્યનાં મુખ્ય રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જયેશ સોલંકીએ પણ GNLUની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ત્યારે સાંજના છ વાગ્યા સુધીમાં અઢીસો વધુ વિધાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જોકે, હાલમાં મોડે સુધી ટેસ્ટિંગ કરવામાં આવનાર હોવાથી પોઝિટિવ કેસ વધવાની શક્યતા નકારી શકાય એમ નથી.આમ દિવસેને દિવસે વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડતા GNLUનાં સિક્યુરિટી ગાર્ડ, સ્વીપરથી માંડીને તમામ સ્ટાફના ફરજીયાત કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીનાં વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ પ્રસરી રહ્યું છે. આખા ગુજરાતમાં આવ્યા નથી એટલા કોરોના કેસો એક સામટાં ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં આવતાં આરોગ્ય તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી મ્યુનિ. કોર્પોરેશનનાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ પોતાની ટીમ સાથે અહીં ધામા નાખવામાં આવ્યા છે. તેમની ત્રણ ટીમો દ્વારા યૂનિવર્સિટીમાં સઘન ટેસ્ટિંગ અને સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતી 23 છોકરી અને 15 છોકરાઓનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાની પુષ્ટિ થતાં શનિવાર સવારથી જ આરોગ્ય ટીમે 41 જેટલા વિધાર્થીઓનો રિપૉર્ટ પોઝિટિવ આવેલા તે તમામના પુનઃ RTPCR રિપૉર્ટ કરવામાં આવ્યા હતા તેમના જીનોમ સિક્વન્સ સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય 76 વિધાર્થીઓનાં શનિવારે ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ ત્રણ ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ એક મહિલા પ્રોફેસર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવતા પોઝિટિવ કેસોની સંખ્યા 41 પહોંચી હતી. બીજી તરફ તાજેતરમાં જ વડોદરામાં કોરોનાનો નવો XE વેરિયંટનો કેસ મળી આવતાં રાજ્ય આરોગ્ય તંત્ર પણ હવે તો દોડતું થઇ ગયું છે. ગઈકાલે આરોગ્ય વિભાગના એડીશ્નલ ડાયરેક્ટર ડો. નીલમ પટેલ પણ GNLU દોડી આવ્યા હતા. તો આજે રાજ્ય રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. જયેશ સોલંકીએ સવારથી GNLUમાં ધામા નાખવામાં આવ્યા છે. આજે સતત ચોથા દિવસે પણ વિધાર્થીઓનું ટેસ્ટિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં સાંજના છ વાગ્યા સુધીમાં 250 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવતાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ટેસ્ટિંગ મોડે સુધી ચાલવામાં આવશે જેથી હજી કેસ વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી.