ગાંધીનગરઃ ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની અછત છે ત્યારે વર્ષ 2023માં વધુ નવ આઈએએસ અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં હાલ ગૃહ, પંચાયત, ઉદ્યોગ જેવા મહત્ત્વના વિભાગો ચાર્જમાં ચાલે છે ત્યારે ચાલ વર્ષ 2023માં ગુજરાત કેડરના વધુ 9 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે. પીએમઓના ઓએસડી સંજય ભાવસાર સહિત દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા ત્રણ અધિકારીઓ પણ આ વર્ષમાં રિટાયર્ડ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આઈએએસ અધિકારીઓનું સંખ્યાબળ ઘટતું જાય છે. એટલે કેટલાક અનુભવી અધિકારીઓની વય નિવૃત બાદ પણ તેમની સેવાઓ લેવામાં આવી રહી છે. વર્ષ 2023માં વધુ નવ અધિકારીઓ નિવૃત થશે. જેમાં જુલાઇમાં જીએનએફસીના ચેરમેન વિપુલ મિત્રા નિવૃત્ત થશે. તેમજ દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર ફાર્માસ્યુટિકલ વિભાગના સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહેલા એસ. અપર્ણા ઓક્ટોબરમાં નિવૃત્ત થશે. મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના સેક્રેટરી બી.બી.સ્વેન સપ્ટેમ્બરમાં રિટાયર્ડ થશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ ઓક્ટોબરમાં તેમજ પીએમઓના ઓએસડી સંજય ભાવસાર જુલાઇમાં રિટાયર્ડ થશે.આ સિવાય વેર હાઉસિંગ કોર્પોરેશનના એમડી સંજય નંદન નવેમ્બરમાં, જીઆઇડીસીના જોઇન્ટ એમડી બી.જી.પ્રજાપતિ જૂનમાં, એએમસીમાં ડીવાયએમસી રમેશ મેરજા પણ જૂનમાં અને રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ ડી.બી.વ્યાસ નવેમ્બરમાં રિટાયર્ડ થશે. રાજ્યમાં મહત્ત્વના અનેક વિભાગોમાં સચિવોની જગ્યા ખાલી છે અને વિભાગો ચાર્જમાં છે તો બીજી તરફ ગુજરાત કેડરના 20 અધિકારીઓ હાલ ડેપ્યુટેશન પર દિલ્હી અથવા અન્ય સ્થળોએ ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં સોનલ મિશ્રા અને કુલદીપ આર્યને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાયા છે.