Site icon Revoi.in

ગુજરાતમાં હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST આપવો પડશે, એસોએ કર્યો વિરોધ

Social Share

સુરત: જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓ તેમજ ખાદ્ય વસ્તુઓ પર જીએસટી લાદવામાં આવતા તોના કારણે પણ મોંઘવારી વધી છે. હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું હતુ. જેનો   ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી GST ન લગાવવા રજુઆત કરી છે.

કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે.  સરેરાશ એક પરિવારમાં મહિને 500 ગ્રામ પાપડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે 50 રૂપિયા વધારે ચુકવવા પડશે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને GST કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી હતી. 2017માં GST આવ્યા પહેલા રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટકા ટેક્સ કરાયો હતો.  એટલે કે, 2011માં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ પણ પાપડ પર ઝીરો ટકા નક્કી કર્યો હતો. પરંતુ હવે કાઉન્સિલે પાપડ પ્રોડક્ટને 18 ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી પાપડ પર GST ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી. સુરત શહેરમાં વર્ષે 30 લાખ કિલોના પાપડ અને ભૂંગળાનું વેચાણ થાય છે. વર્ષે લોકો 84 કરોડના પાપડ ખાઈ જાય છે, હવે તેની પર 18 ટકા GST લાગતા 15.12 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેવી જ રીતે એક પરિવાર વર્ષે સરેરાશ 6 કિલો પાપડ ઝાપટે છે તો વર્ષે આવા પરિવારના માથે રૂ. 300થી વધુનું ભારણ આવશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની મહિલાઓ પાપડનો બિઝનેસ કરે છે. ખાસ કરીને પાપડનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગમાં થતું હોય છે. સુરતમાં 4 હજારથી વધારે મહિલાઓ પાપડ ઉત્પાદનના બિઝનેસ સાથે જોડાયેલી છે. પાપડ પર અત્યાર સુધી GST અમલમાં ન હતો, પરંતુ 48મી GST કાઉન્સિલમાં પાપડ પર 18 ટકા GST અમલમાં મુકવામાં આવ્યો છે. પાપડ પર GST અયોગ્ય છે એટલા માટે અમે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે.