Site icon Revoi.in

ગુજરાતમાં હવે વીજ કંપનીઓને પણ મોંઘવારી નડી, પ્રતિ યુનિટે 10 પૈસાનો વધારો કરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વીજ કંપનીઓને પણ મોંઘવારી નડી રહી છે.  વીજ વિતરણ કંપનીઓએ યુનિટ દીઠ 10 પૈસાનો વધારો ગ્રાહકો પર ઝીંકી દીધો છે, ઉપરાંત 79 પૈસા ફૂઅલ ચાર્જ વધારવાની દરખાસ્ત પણ જર્કમાં કરી છે. એક બાજુ ગુજરાતમાં તમામ પરિવારોને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવાના વચનો આપ’ દ્વારા આપવામાં આવી રહ્યા છે, ત્યારે જ વીજ કંપનીઓઓ યુનિટના ભાવમાં 10 પૈસાનો વધારો ઝીંકી દીધો છે.

વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધુ માત્રામાં વીજ માગ ઊભી થઈ હતી. તેના લીધે કંપનીઓને મોંઘાભાવની વીજળી ખરીદ કરવાની ફરજ પડી હતી. હાલ કોલસાથી લઈને પરિવહન સહિત તમામના ભાવમાં વધારો થયો છે. તેના લીધે વીજ ઉત્પાદનના કોસ્ટમાં પણ વધારો થયો છે. તેને કારણે ફ્યુઅલ સરચાર્જમાં જર્ક પાસે વધારો માંગવામાં આવ્યો છે. ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) સમક્ષ 79 પૈસાનો ફ્યુઅલ ચાર્જમાં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, તેનો નિર્ણય આવે ત્યારબાદ વધારો લાગુ થશે. વીજ વિતરણ કંપનીઓને 10 પૈસાનો વધારો કરવાની સત્તા છે અને પીજીવીસીએલ દ્વારા 1 જુલાઈથી જ 10 પૈસાનો વધારો લાગુ પાડી દીધો છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ ત્રણ મહિના માટે આ વધારો ઝીંકવામાં આવ્યો છે અને તે સાથે યુનિટદીઠ સરચાર્જ રૂ. 2.50થી વધીને રૂ. 2.60 થયો છે. વીજ નિયમન પંચ દ્વારા 79 પૈસાના વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 3.29 થઇ જશે. વીજ ફ્યુઅલ ચાર્જમાં 10 પૈસાના વધારાને કારણે ગુજરાતના 1 કરોડ 40 લાખ લોકો પર રૂપિયા 8 હજાર 690 કરોડનો બોજ પડશે. ગુજરાત સરકારની વીજ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતાની તુલનાએ માત્ર 43 ટકા જ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાથી વીજળીની અછત વર્તાઈ રહી છે.