ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરાયા બાદ દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં પારદર્શક વહિવટ માટેના પ્રયાસો હાથ દરવામાં આવ્યા છે. તાજેતરમાં કર્મચારીઓની બદલીઓનો ગંજીપો પણ ચીપવામાં આવ્યો હતો. સરકારે જે દિવસે દસ્તાવેજ નોંધાય તે જ દિવસે તે દસ્તાવેજ સિસ્ટમમાં ઓનલાઈન અપલોડ કરવાનો નિયમ જારી કર્યો છે. જો દસ્તાવેજ સેમ ડે સિસ્ટમમાં અપલોડ ન થાય તો બીજા દિવસે દસ્તાવેજની કામગીરી થઇ શકે નહીં. આ નિયમને કારણે છેલ્લા ઘણા દિવસોથી લોકો અને દસ્તાવેજ નોંધનાર સ્ટાફ સહિતના અધિકારીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ નિયમને કારણે દરરોજ અપાતા ટોકનના સ્લોટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે હજારો દસ્તાવેજ નોંધણી માટે 25-30 દિવસ સુધીની સામાન્ય વેઇટિંગ ચાલી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓએ આ અંગે પ્રેક્ટિકલ બનીને કોઈ રસ્તો કાઢવો જોઈએ. તેવી માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દસ્તાવેજ કચેરીના કર્મચારીઓ દસ્તાવેજ અપલોડની સિસ્ટમથી પરેશાન બની ગયા છે.પહેલાં દરરોજ 150થી વધુ ટોકન આપવામાં આવતા હતા પરંતુ જે દિવસે દસ્તાવેજ થાય તે જ દિવસે તે દસ્તાવેજ સિસ્ટમમાં અપલોડ કરવાનો નિયમ ન હતો. જેના કારણે સમયાંતરે દસ્તાવેજ સિસ્ટમમાં અપલોડ કરવામાં આવતા હતા. પરંતુ નવા આવેલા નિયમને કારણે દરરોજ જે દસ્તાવેજ નોંધાય તે તે જ દિવસે અપલોડ કરવો પડે છે. જો અપલોડ ન થાય તો બીજા દિવસે દસ્તાવેજ નોંધવાની સિસ્ટમ ખૂલતી જ નથી જેથી બીજા દિવસે કોઇ જ કામગીરી થઇ શકતી નથી. આ નિયમને કારણે હવે ગણતરીના જ દસ્તાવેજ નોંધાય છે. આમ દસ્તાવેજના ટોકન માટેના સ્લોટમાં પણ 50 ટકા જેટલો ઘટાડો થયો છે. જેથી હવે હજારો દસ્તાવેજનું વેઇટિંગ થઇ ગયું છે. હવે 10-10 દિવસ સુધી દસ્તાવેજ નોંધવાની તારીખ મળતી નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમદાવાદમાં 14 સબ રજિસ્ટ્રાર વિભાગ છે, જેમાં જુદા જુદા 100થી વધુ ગામોનો સમાવેશ થાય છે. આમ દરરોજ તમામ વિભાગમાં જમીન, મકાન સહિતના હજારો દસ્તાવેજ મહિને નોંધવામાં આવે છે. હાલ સરકારે સેમ ડે દસ્તાવેજ અપલોડ કરવાનો નિયમ તો લાદી દીધો છે પરંતુ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં સ્ટાફ ઓછો છે. પૂરતો સ્ટાફ ન હોવાને કારણે તથા કામના ભારણથી દસ્તાવેજ સેમ ડે અપલોડિંગમાં હાલાકી પડી રહી છે. સરકારે દરરોજ દસ્તાવેજ અપલોડ કરવાનો નિયમ તો લાવી દેવાયો છે પરંતુ તેના માટે અલગ સ્ટાફ કોઇ પણ જગ્યાએ ફાળવવામાં આવ્યો નથી. તેથી જૂનો સ્ટાફ હતો તે દસ્તાવેજને લગતી વિવિધ કામગીરી કરે છે અને પછી દસ્તાવેજ અપલોડ કરવાનું કામ કરે છે. આમ તેમની જવાબદારી વધી ગઇ છે. જેથી પહેલાં પૂરતા સ્ટાફની વ્યવસ્થા ગોઠવવી જોઇએ પછી આવો કોઇ નિર્ણય લેવો જોઇએ. આવા નિર્ણયને કારણે ટોકનના જેટલા સ્લોટ ખૂલતા હતા તેમાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. જેના કારણે અમુક વિસ્તારમાં તો 20-20 દિવસ સુધી ટોકન મળતા નથી.