ગુજરાતમાં 14 વર્ષમાં ગુમ થયેલા 50 હજાર પૈકી 48 હજારને પોલીસે શોધી કાઢ્યાં
અમદાવાદઃ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો ઘર છોડીને ચાલ્યા જવાના તેમજ ગુમ થવાના બનાવોમાં વધારો થાય છે. અનેક લોકો ઘર અને પરિવારથી કંટાળી તથા અન્ય કારણોસર ઘર છોડીને જતા રહે છે. ગુજરાતમાં14 વર્ષના સમયગાળામાં લગભગ 50 હજાર વ્યક્તિઓ ગુમ થઈ હતી. જે પૈકી 48000 લોકોને પોલીસે શોધીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. વર્ષ 2020-21માં મેગાસિટી અમદાવાદમાં 1530 વ્યક્તિઓ ગુમ થઈ હતી. જે પૈકી 764 વ્યક્તિઓનો હજુ પત્તો લાગ્યો નથી.
સીઆઈડી ક્રાઈમના વડા ટી.એસ. બિસ્ટ અને સીઆઈડીના મિસિંગ સેલના વડા અનિલ પ્રથમે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી વર્ષ 2007થી અત્યાર સુધીમાં કુલ 50000 લોકો લાપતા બન્યાં હતાં. કુલ 48000 લોકોને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. હજુ લાપતા 2000 લોકોને શોધી કાઢવા પ્રયાસો ચાલે છે. અમદાવાદમાંથી લાપતા બનેલાં લોકોને શોધી કાઢવા માટે સીઆઈડી ક્રાઈમ અને સ્થાનિક પોલીસે એક અઠવાડિયાની ડ્રાઈવ યોજી હતી. આ સમયગાળામાં રૂલ 151 લોકોની ભાળ મેળવવામાં આવી છે. મોટાભાગના લોકો પ્રેમપ્રકરણ અથવા ઘરમાં પરિવારજનોએ આપેલા ઠપકાથી લાગી આવતા ગૃહત્યાગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
18 વર્ષથી નાની ઉંમરના 10 બાળકો, 10થી 14 વર્ષના 112 યુવાનો, 40થી 60 વર્ષના 60 અને 60થી વધુ ઉંમરના 3 સિનિયર સિટીઝન્સને શોધી કાઢવામાં આવ્યાં છે. એટલું જ નહીં હજુ જેટલી પણ વ્યક્તિઓ ગુમ છે તેમને શોધી કાઢવા માતે તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.