અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. ધો-10માં 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત સમય અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી. તેમજ હાલ ઉત્તરવહીની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. લગભગ 78 લાખ ઉત્તરવહી પૈકી 60 જેટલી ઉત્તરવહીઓની ચકારણી પૂર્ણ થઈ ગઈ છે. 60 હજારથી વધારે શિક્ષકો દ્વારા ઉત્તરવહીની ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહના મૂલ્યાંકનની કામગીરી 11 એપ્રિલથી શરૂ થઈ હતી. ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહના મૂલ્યાંકનની કામગીરી 13 એપ્રિલ થી શરૂ કરવામાં આવી હતી. ધોરણ–10 અને 12ની કુલ 78 લાખ ઉત્તરવહીની ચકાસણી પૈકી અંદાજે 60 લાખ ઉત્તરવહીની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. 174 જેટલા કેન્દ્રો ઉપર ધો-10ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં 24 હજારથી વધારે શિક્ષકો જોડાયા છે. જ્યારે 60 કેન્દ્રો ઉપર 9 હજારથી વધારે શિક્ષકો ધો-12 વિજ્ઞાનપ્રવાહની ઉત્તરવણીની ચકાસણી કરી રહ્યાં છે. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી 137 કેન્દ્રોમાં કરવામાં આવી રહી છે. જેમાં 27 હજારથી વધારે શિક્ષકો જોડાયાં છે. નિર્ધારિત સમયમાં ઉત્તરવહી તપાસીને આગામી દિવસોમાં ધો-10 અને 12ના પરીણામ પણ જાહેર કરવામાં આવશે. આમ ધો-10 અને 12 મળીને 61 હજારથી વધારે શિક્ષકો ઉત્તરવહીની ચકાસણીની કામગીરીમાં જોડાયાં છે.