ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં માસ્ક ન પહેરવાના કારણે લોકોએ રૂપિયા 247 કરોડનો દંડ ભર્યો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. છતાં પણ ઘણા લોકો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીના આ સમયમાં જૂન 2020થી 22 જૂન 2021 સુધીમાં માસ્ક ન પહેરવા અંગે કુલ રુ. 247 કરોડ દંડ વસુલવામાં આવ્યો છે.. ત્યાર બાદ આજ સમયગાળમાં કોરોના કર્ફ્યુના ભંગ માટે કાયદો તોડનારાઓએ કુલ રુ. 101 કરોડ દંડ પેટે ભર્યા છે. આમ કોરોના નિયમો તોડવા બદલ કુલ રુ. 348 કરોડ છેલ્લા એક વર્ષમાં ભર્યા છે. આ રીતે જોઈએ તો પ્રતિ દિવસ રાજ્યમાં રુ. 1 કરોડની એવરેજ સાથે કાયદો તોડનારાઓએ દંડ ભર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 36.8 લાખ લોકોને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. માસ્ક ન પહેરનારાઓ પાસેથી રુ. 247 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેનો અર્થ છે કે દરરોજ 8000 થી 9000 લોકોએ દરરોજ માસ્ક ન પહેરવાના ગુના માટે દંડ ભર્યો હતો. માસ્ક અંગેના કેસ ઉપરાંત રાજ્યમાં આટલા જ સમયાગાળામાં 6.8 લાખ કેસ કર્ફ્યુના નિયમો તડનારા સામે થયા હતા ઘણા લોકો કર્ફ્યુ સમયમાં પોતાના વાહનો પર યોગ્ય કારણ વગર ફરતાં પકડાયા હતા જેથી તેમની વિરુદ્ધ મોટર વેહિકલ એક્ટ 1988ની કલમ 207 અંતર્ગત ગૂનો નોંધીને દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દંડની રકમ રુ. 101 કરોડ જેટલી થાય છે.
મોટર વેહિકલ એક્ટની આ કલમ હેઠળ પોલીસ એવા વ્યક્તિને દંડ કરી શકે છે જે કર્ફ્યુ સમય દરમિયાન યોગ્ય પાસ અથવા પરમિટ વગર ફરી રહ્યા હોય. કુલ આંકાડ અનુસાર દૈનિક સરેરાશ કાઢીએ તો છેલ્લા એક વર્ષથી રાજ્યમાં પોલીસ આ બંને કાયદાના ભંગ માટે દૈનિક રુ. 95 લાખ એટલે કે લગભગ કરોડની આસપાસ જેટલી રકમ દંડ પેટે વસૂલે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તહેવારો અને ચૂંટણીના સમયમાં કુણું વલણ અપનાવ્યા છતાં આટલી મોટી દંડની રકમ જમા થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, નાણાકીય દંડ ઉપરાંત રાજ્યમાં પોલીસે આઈપીસી કલમ 188 (સરકારી અધિકારી દ્વારા જાહેર કરાયેલી સૂચનાનો ભંગ કરવા બદલ) અને કલમ 269 (સંક્રમણ પેલાવી શકે તેવું બેદરકારીભર્યું કૃત્ય કરવા માટે) હેઠળ કુલ 5.13 લાખ કેસ નોંધાયા હતા. આ મોટાભાગના કેસ આઈપીસી કલમ 188 અને 269 હેઠળ પોલીસની પરવાનગી લીધા વિના યોજાયેલા લગ્નો અને અન્ય ધાર્મિક સામાજિક મેળાવડા દરમિયાન નોંધવામાં આવ્યા હતા.