ગુજરાતમાં PSI, PI, સહિત પોલીસ અધિકારીઓએ મિલ્કતોની માહિતી ફરજિયાત આપવી પડશે,
ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ-રૂશ્વતના કેસ વધતા જાય છે. સૌથી વધુ મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જારી કરીને તમામ પીએસઆઈ, પીઆઈ, સહિત એસીપી, ડીવાયએસપી અધિકારીઓની સ્થાવર તથા જંગમ મિલ્કતો, એફડી સહિતની વિગતો માંગવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓએ ઓનલાઈન વિગતો આપવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ભ્રષ્ટાચાર માટે બદનામ પોલીસ ખાતામાં હવે સરકારે પીએસઆઈ અને પીઆઈ અને તેની ઉપરના તમામ અધિકારીઓ માટે તેમની મિલ્કતો ફરજીયાત રીતે સાથી એપ્લીકેશન પર અપલોડ કરવા જણાવ્યું છે. ગૃહવિભાગે કરેલા પરિપત્રથી સરકારના અન્ય વિભાગો હેઠળ પણ આ જ પ્રકારે રેલો આવે તેવી ધારણા છે.
રાજ્યના ગૃહ વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ પોલીસ સેવાના વર્ગ-1 તથા 2 ના દરેક અધિકારીઓએ કોઈપણ સ્થાવર મિલ્કત તેમના કે પરિવારના નામે પટ્ટા, ગીરો, ખરીદ વેચાણ, બક્ષીસ કે અન્ય રીતે સંપાદિત કરી હોય કે વેચી હોય તો તેની નિયત સતાધિકારીને ફરજીયાત ઓનલાઈન સાથી એપ્લીકેશન મારફત પુર્વ જાણ કરવાની રહેશે. ગૃહ વિભાગે પરિપત્રમાં એવી પણ તાકીદ કરી છે કે દરેક અધિકારી તેમના બે મહિનાના મૂળ પગારથી વધુ રકમના કોઈ જંગમ મિલ્કતના ખરીદ વેચાણ બાબતે જે તે મિલ્કતની લે-વેચ કરી હોય તેના એક માસમાં દસ્તાવેજો સાથે સાથી એપ્લીકેશન પર માહિતી આપવાની રહેશે. આ જાણ ઓફલાઈન કરી શકાશે નહી અને જો જાણ ન કરાય તો તેનો નિયમ મુજબ આકરા પગલા લેવાશે. એપ્લિકેશનના યુઝર્સ આઈડી, પાસવર્ડ પણ વિભાગ પાસેથી મેળવી લેવાના રહેશે.