Site icon Revoi.in

ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અચ્છેદિન, 10 હજાર કરોડના પ્રોજેક્ટસ લોન્ચ થયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા હવે ઉદ્યોગ-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. મહાનગરોમાં તો રિયલ એસ્ટેટ ઉદ્યોગ તો કોરોના કાળમાં ઠપ બની ગયો હતો. પણ હવે જનજીવન પુનઃ ધબકતુ થતા રિયર એસ્ટેટ ઉદ્યોગમાં ફરી તેજી આવી રહી છે. કારણ કે, છેલ્લાં બે ત્રણ માસમાં ગુજરાતમાં રૂ. 10 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ લોન્ચ થયા છે તેમ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્લેટરી ઓથોરિટી (રેરા)ના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદનો હોરિઝોન્ટલ વિકાસ થઇ રહ્યો છે. પૂર્વમાં હાથીજણથી લઇને પશ્ચિમમાં સાણંદ ચોકડી, તેમજ એસજી હાઇવેથી લઇને ગાંધીનગર સુધીની અનેક ખાલી જગ્યાએ વિવિધ પ્રોજેક્ટસ આવી રહ્યા છે. ગુજરાત સિવિલ એન્જનીયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ એસોસિયેશન (જીસીયા)ના સૂત્રોએ કહ્યુ  હતુ કે રિવરફ્રંટ પર જે ઊંચી ઊંચી બિલ્ડિગો બનવાની છે તેમાં કોઇ હરાજી થઇ નથી. એ પછી કોર્પોરેશન દ્વારા નવુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જોકે એ સિવાય બધે સક્રિયતા વધી ગઇ છે. રિયલ એસ્ટેટમાં હાલમાં દરેક ક્ષેત્રે નાના મોટાં કામો ચાલુ થઇ ગયા છે. કોરોનાની ત્રીજી લહેરની સપ્ટેમ્બર સુધી શક્યતા દેખાતી નથી એટલે પ્રોજેક્ટો ચાલુ થઇ ગયા છે. સપ્ટેમ્બર સારો જશે તો રિયલ એસ્ટેટમાં ભારે તેજી થશે તેવા એંધાણ છે. જોકે કોમર્શિયલની તુલનામાં રેસીડેન્સ પ્રોજેક્ટમાં ભારે માગ નીકળી આવશે. એફોર્ડેબલ અને પ્લોટ્ટીગમાં હાલમાં પણ માગ વર્તાઇ રહી છે તેમાં વધારો થશે. હાલમાં નવા અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત થઇ છે. ખાસ કરીને થોળથી આઘોલ સુધીના વિસ્તારમાં રોજ અનેક સ્કીમો આવી રહી છે. તે વિસ્તાર હાલમાં હોટ ફેવરીટ ગણાય છે.

રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૂત્રોએ ઉમેર્યું હતું કે કોવિડ બાદ લોકોની માનસિકતા બદલાઈ છે. જે લોકો પહેલા નાના ઘરમાં રહેતા હતા તેઓ હવે મોટું ઘર લઈ રહ્યા છે અને એને કારણે ડેવલપર્સ નવું સાહસ કરવાનું જોખમ લઈ રહ્યા છે. લોકોની માનસિકતા બદલાતાં જે લોકો 1 બીએચકેમાં રહેતા હતા તેઓ 2 બીએચકેમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ સિવાય અપર મિડલ ક્લાસ ફ્લેટમાંથી બંગલો કે ફાર્મ હાઉસ કોન્સેપ્ટ તરફ વળ્યા છે. આ બદલાવને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું સાહસ કરી રહ્યા છે. રેરાના સૂત્રોના કહેવા મુજબ નાણાકીય વર્ષ 2021-22માં એપ્રિલથી અત્યાર સુધીમાં લોન્ચ થયેલા રૂ. 10 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સમાં રૂ. પાંચથી છ હજાર કરોડના પ્રોજેક્ટ્સ અમદાવાદમાં શરૂ થયા છે. આ સિવાય વડોદરામાં રૂ. 2200 કરોડ, સુરત રૂ. 1600 કરોડ અને ગાંધીનગરમાં રૂ. 1000 કરોડના પ્રોજેક્ટ શરૂ થયા છે.’ રાજકોટમાં પણ ગતિવિધિ સારી છે.