ગુજરાતમાં પાંચ વર્ષમાં આરોગ્ય સેવા માટે જિલ્લા દીઠ રૂા. 200 કરોડનું જંગી બજેટ ફાળવાશે
ગાંધીનગરઃ રાજ્યના તમામા નાગરિકોને આરોગ્યની પુરતી સુવિધા અને સારવાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજયના દરેક જિલ્લા માટે આરોગ્ય બજેટ રૂા. 200 કરોડ નિશ્ચિત કરાયું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય આરોગ્ય મંત્રી માનસુખ મંડવિયા એ ખાસ વિડીઓ કોંફરન્સ દ્વારા ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. અંતરિયાળ ગામોના લોકોને પણ આરોગ્ય સેવા મળી રહે તે પ્રકારનું ખાસ આયોજન કરાશે.
રાજ્યના આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય મંત્રી સાથેની વિડિયો કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રીએ એવું સુચન કર્યું હતું કે, કોરોના વેક્સિનેશન અભિયાન ઉપરાંત ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને આરોગ્ય વિષયક નાણાની ફાળવણી કરી છે ત્યારે તેનું ઝડપી અમલીકરણ કરવામાં આવે તેમજ તે નાણાનો ઉપયોગ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે જરૂરી છે. તેમણે પી એમ જે વાય કાર્ડમાં આવતી મુશ્કેલીઓ અંગે પણ કેન્દ્રિય આરોગ્ય મંત્રી સાથે પરામર્શ કર્યો હતો. આ તબક્કે તેમણે કહ્યું કે હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડમાં આવતી મુશ્કેલીઓ ટુંક સમયમાં અંત આવશે. આ મહત્વની બેઠકમાં ઇ સી આર પી પેકેજની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભૌગોલિક કારણોસર કોઈપણ રાજ્યના આરોગ્ય મંત્રી ગ્રામીણ ક્ષેત્રની શરતો બદલીને પણ તેની ગાઈડલાઈન બદલવા સુધીની સત્તા સોંપી હોવાનું ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું સાથે સાથે તમામ મંત્રીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી લાભાર્થીઓને ઝડપથી વધુમાં વધુ લાભ પ્રાપ્ત થાય તે માટે સૂચનો પણ મેળવ્યા હતા અને રાજ્યોને જે નાણા ફાળવવામાં આવે છે તેના અમલીકરણ કરવા કેન્દ્રીય મંત્રી અનુરોધ કર્યો હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં જ તમામ જિલ્લાઓને આરોગ્ય સેવા માટે 200 કરોડની ફાળવણી કરવામાં આવશે.