Site icon Revoi.in

ગુજરાતમાં ખનીજ માફિયા બેફામઃ બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. દરમિયાન ખનીજ ચોરીનો મુદ્દો ગુજરાત વિધાનસભાની અંદર ગુંજ્યો હતો. વિપક્ષે ખનીજ ચોરી મામલે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષમાં રૂ. 212 કરોડની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા બે વર્ષના સમયગાળામાં ખનીજ ચોરી ઝડપી લેવા માટે 298 જેટલા દરોડા પાડવામાં આવ્યાં હતા.

ખનીજ ચોરી અંગે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 171 વખત અને વર્ષ 2020માં 127 વખત દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ રૂા.212 કરોડની ખનિજ ચોરી પકડાઇ હતી. જ્યારે 10 જેટલા પોલીસ કેસ કરવામાં આવ્યા હતાં. રાજ્યમાં છોટા ઉદેપુર,દેવભૂમિ દ્વારકા, પંચમહાલ,બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણંમાં સૌથી વધુ ખનિજ ચોરી પકડાઇ છે.

તંત્ર દ્વારા 2019માં રૂ. 120.66 કરોડની તથા 2020માં રૂ. 91.80 કરોડની ચોરી પકડાઈ હતી. રાજ્યમાં સૌથી રૂ. 57 કરોડની ખનિજ ચોરી પંચમહાલ જિલ્લામાંથી અને બીજા નંબરે રૂ. 48.41 કરોડની ચોરી પાટણ જિલ્લામાંથી પકડાઈ છે. પોરબંદર જિલ્લામાંથી રૂ. 13 કરોડની જ ચોરી પકડાઈ છે. અમદાવાદમાંથી રૂ. 6 કરોડ અને ગાંધીનગર જિલ્લામાંથી 8 કરોડની ચોરી પકડી લેવામાં આવી હતી. જ્યારે સુરતમાંથી રૂ. 1.47 કરોડની ચોરી પકડવામાં આવી હતી. રાજ્યભરમાં ખનીજ ચોરી ઝડપી લેવા માટે તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવે છે. દરોડા દરમિયાન ખનીજ ચોરીના સાધનો અને ટ્રક પણ જપ્ત કરવામાં આવે છે. તેમજ ખનીજ ચોરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.