ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી સહીત અનેક મંત્રીઓ બંગલા ખાલી કરવા લાગ્યા,રૂપાણીને નવો બંગલો મળશે
- ગુજરાતનું ગરમ રાજકારણ
- મંત્રીમંડળમાં થયો ફેરફાર
- હવે પૂર્વમંત્રીઓ કરી રહ્યા છે બંગલા ખાલી
ગાંધીનગર:ગુજરાતમાં મંત્રીમંડળ બદલાતા હવે પૂર્વ મુખ્યમંત્રી સહીત અનેક મંત્રીઓ બંગલા ખાલી કરવા લાગ્યા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવો બંગલો આપવામાં આવશે. એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હવે રૂપાણી સરકારનાં અન્ય મંત્રીઓ પણ તેમના બંગલા ખાલી કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતી કવિ બાલમુકુંદ દવેની કવિતા ‘જૂનું ઘર ખાલી કરતાં’ યાદ આવે છે.
સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રીઓએ વિદાય લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ તેઓ વિદાય લઇ રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના 24 સભ્યોને નવા બંગલા ફાળવવાના થાય છે. ત્યારે માર્ગ મકાન વિભાગે પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરવાની નોટીસ આપી છે.
સુરેશ મહેતાને બંગલો ખાલી કરવાની વારંવાર નોટીસ આપવામાં આવી હતી. એટલું જ નહીં તેમને કોમર્શિયલ ભાડુ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં મંત્રીઓ માટે 35થી વધુ બંગલા બનાવવામાં આવ્યા છે.