Site icon Revoi.in

ગુજરાતમાં ધો. 1થી 5ના વર્ગો શાળાઓમાં શરૂ કરવા સત્વરે મંજુરી આપોઃ શાળા સંચાલક મંડળ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો બીજો કાલ લગભગ સમાપ્ત થઈ ગયો છે, હવે ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ઘણાબધા શહેરોમાં તો એકપણ કેસ ઘણા દિવસથી નોંધાયા નથી. ત્યારે હવે ધો. 1થી5ના ઓફલાઈન વર્ગો ચાલુ કરવા માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ધોરણ 1થી 5ની શાળા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી ધો,1થી5ના બાળકો ઓફલાઇન શિક્ષણથી વંચિત છે. સતત ઘરમાં રહીને શિક્ષણ લઈ રહેલા બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. એટલે હવે શાળા સંચાલક મહામંડળ દ્વારા ઓફલાઇન વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. શાળા સંચાલક મહામંડળે જણાવ્યું હતું કે, ફિઝિકલ એક્ટિવિટી વગર બાળકો માટે સમસ્યા ઉભી થઈ રહી છે. ઓનલાઇન અભ્યાસને બદલે બાળકો યૂટ્યૂબ, કાર્ટૂન, સોશિયલ મીડિયા અને મોબાઇલ ગેમ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં છે. બાળકોના અભ્યાસનો પાયો કાચો રહેતા તેના ભવિષ્ય પર ગંભીર અસર પડવાનો ડર પણ શાળા સંચાલક મંડળે વ્યક્ત કર્યો છે.

બીજી તરફ કોરોનાના કેસો નહિવત થઈ જતા ડોક્ટરો પણ હવે ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ રહેવા જોઈએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે. બાળકો માટે વેક્સીન આવી રહી છે. તેવામાં બાળકોને ઓન વેક્સીન અપાવીને તેમને સુરક્ષિત કરવા જોઈએ. ડોક્ટરોના મતે  કોરોનાની ગાઇડલાઇન સાથે તકેદારી રાખીને ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરી શકાય છે. બાળકોના વિકાસ માટે સ્કૂલનો અભ્યાસ તેમજ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી હોવાથી સ્કૂલો શરૂ થાય તો હવે વાંધો ના હોવો જોઈએ એવો મત ડોકટરોએ વ્યક્ત કર્યો છે. ઓનલાઇન શિક્ષણથી બાળકોના શારીરિક વિકાસ તેમજ આંખો પર નકારાત્મક અસર થતી હોવાથી બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખીને હવે વર્ગો શરૂ થાય તો બાળકોને વાલીઓએ મોકલવા જોઈએ. (File photo)