Site icon Revoi.in

ગુજરાતમાં ઈલેકટ્રીક રિક્ષા અને ટુ-વ્હીલર માટે અપાશે સબસીડી  

Social Share

અમદાવાદઃ પ્રદુષણને અટકાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઈલેકટ્રીક વાહનનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હવે ઈ-રિક્ષાની ખરીદી ઉપર 48 હજાર અને ઈ-સ્કુટરની ખરીદી ઉપર રૂ. 12 હજારની સબસીડી આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ-ડીઝલ અને સીએનજીથી ચાલતી રીક્ષાઓને બદલે ઈલેકટ્રીક બેટરીથી ચાલતી ઈ-રીક્ષાનો વપરાશ વધે તો પર્યાવરણમાં સુધારાનો ફાયદો મળે તેવી ઈ-રીક્ષાનાં વપરાશનાં વધારવાનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી ઈ-રીક્ષા દીઠ રૂા. 48 હજારની સબસીડી માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં રૂા. 26 કરોડની જોગવાઈ કરાઈ છે. આવી જ રીતે ઈ-ટુ વ્હીલરો માટે વાહન દીઠ 12 હજારની સબસીડી માટે 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ગૌશાળા, પાંજરાપોળોમાં બાયોગેસ પ્લાંટ સ્થાપવા 75 ટકા સહાય લેખે રૂા. 6 કરોડની જોગવાઈ તથા એલઈડી ટયુબ લાઈટ, સ્ટાર રેટેડ પંખા માટે રૂા. 4 કરોડની જોગવાઈ કરાઈ છે. સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે. 300 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદનનાં લક્ષ્‍યાંક સાથે 3 લાખ ઘરોને સહાય આપવા માટે રૂા. 800 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારી કચેરીઓની છત પર અંદાજે 7 મેગાવોટ ક્ષમતાનાં સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રૂા. 25 કરોડની જોગવાઈ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે સરકાર દ્વારા ઈ-વાહનો ઉપર સબસીડીની જાહેરાત કરતા ઈ-વાહનોની ખરીદી કરવા વિચારતા લોકોને ફાયદો થશે.