ગુજરાતમાં નલ સે જલ યોજના હેઠળ 10.20 લાખ ઘરોને નળ કનેકશન અપાયાં
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠલ સમગ્ર દેશમાં લોકોને નળ કનેકશન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજના હેઠળ અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં 10.20 લાખ પરિવારને નળ કનેકશન આપવામાં આવ્યાં છે. આગામી દોઢ વર્ષના સમયગાળામાં 17 લાખ ઘરોને નળ કનેસશન આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે તેવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત 10.20 લાખ જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ કનેક્શન બાકી રહ્યા છે તે માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે એટલે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નલ સે જલ હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પાંચ જિલ્લાઓમાં નલ સે જલ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ 2022 ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.