ગાંધીનગરઃ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરીને પગલે સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. મોટાભાગની સ્કુલમાં એક્રિડિટેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાથી સ્કુલ ઇન્સ્પેક્ટર્સને મૂળશાળામાં હાજર થવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે રાજ્યના શિક્ષણ વિભાગે નવી ભરતી કરી નહતી. પરંતુ પ્રાથમિક શાળાના શિક્ષકોને જ સ્કુલ ઇન્સ્પેક્ટર્સની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે હાલમાં શૈક્ષણિક વર્ષ-2022-23 માટે સ્કુલ એક્રિડિટેશનની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. તેથી શાળાઓની સ્કૂલ એક્રિડિટેશનની કામગીરી માટે સ્કુલ ઇન્સ્પક્ટર્સને શાળા ફાળવવામાં આવી નથી. આથી જિલ્લામાં સમાવિષ્ટ સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તેમની મૂળશાળામાં શાળાકિય કામગીરી કરી શકે તે હેતુથી તેમની મૂળ શાળામાં કામગીરીમાં જોડાવવા આદેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી સપ્તાહથી વાર્ષિક પરીક્ષાઓ લેવાનો પ્રારંભ થશે. ત્યારબાદ ઉતરવહી મૂલ્યાંકનની કામગીરી પણ કરવી પડશે. એટલે વેકેશન સુધી શિક્ષકો પર કામનું ભારણ વધુ રહેશે. બીજીબાજુ સ્કુલ એક્રેડિટેનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જે શિક્ષકોને સ્કૂલ ઈન્સ્પેકટરની જવાબદારી સોંપી હતી. તે હવે કરવાની રહેતી નથી. તેથી તેમને મુળ શાળામાં પરત ફરવા આદેશ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય સુચના આપવામાં આવે નહી ત્યાં સુધી રાજ્યભરના તમામ જિલ્લાના તમામ સ્કૂલ ઇન્સ્પેક્ટર્સોને તેમની મૂળશાળામાં કામગીરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે જીસીઇઆરટી ખાતે કામગીરી કરતા ગાંધીનગર જિલ્લાના સ્કુલ ઇન્સ્પેક્ટર્સને અન્ય સૂચના મળે નહી ત્યાં સુધી જીસીઇઆરટી ખાતે ઉપસ્થિત રહીને નિયત કામગીરી કરવાની રહેશે.