ગુજરાતમાં ભાજપે લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રકિયા હાથ ધરી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે બે-ત્રણ મહિના બાકી રહ્યા છે. માર્ચમાં ચૂંટણીની વિધિવત જાહેરાત કરી દેવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા તમામ 26 બેઠકો પર ઉમેદવારોની પેનલો બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે નિયુક્ત કરેલા નિરિક્ષકો જિલ્લાઓમાં ફરીને ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો પાસેથી સેન્સ મેળવી રહ્યા છે. ટિકિટ મેળવવા માટે દાવેદારોની સંખ્યા ખૂબ મોટી છે. કેટલાક પૂર્વ મંત્રીઓ પણ ટિકિટ મેળવવા માટે સક્રિય બન્યા છે. નિરિક્ષકોએ સેન્સ લીધા બાદ ત્રણ નામની પેનલ બનાવીને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે. ઉમેદવારોની પસંદગીને આખરી નિર્ણય તો દિલ્હીથી જ લેવામાં આવશે.
લોકસભા ચૂંટણીની વિધિવત જાહેરાત 15મી માર્ચ સુધી થઈ જવાની શક્યતા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવાય છે. કે, ભાજપ પખવાડિયામાં 100 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં નામ પણ સામેલ હોય એવી શક્યતા છે. ભાજપની ઉમેદવારો જાહેર કરવાની આ કવાયતને પગલે બે દિવસ બાદ પ્રદેશ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે બેઠક દીઠ સેન્સપ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. સેન્સપ્રક્રિયા શરૂ કર્યા પહેલા પોલિસી મેટરની ચર્ચા માટે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , પૂર્વ મેયર સાથે પ્રદેશ ભાજપ-પ્રમુખ સામેલ થયા હતા. કમલમમાં બેઠક મળ્યા બાદ અચાનક સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા હતા. સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. સતત બે દિવસ સુધી પ્રક્રિયા ચાલ્યા બાદ તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય પાર્લમેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જ્યારે 29મી એ દિલ્હીમાં મળનારી સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના જાહેર થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં ગુજરાતની મુલાકાત બાદ પ્રદેશ ભાજપએ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાથ ધરી છે. લોકસભાની 26 બેઠકોના નિરીક્ષકો સેન્સ મેળવવા માટે દોડતા થઈ ગયા છે. નિરીક્ષકો તરીકે પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્યો તથા પ્રદેશ હોદ્દેદાર અને વર્તમાન મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે ભાજપે પહેલીવાર 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો પણ શરૂ કરી દીધાં છે. સૂત્રોના મતે આ વખતે ભાજપ હાઇકમાન્ડ વર્તમાન સાંસદોમાંથી મોટા ભાગના સાંસદોને રિપીટ નહિ કરે એ વાત નક્કી છે. એમાં પણ 60થી વધુ વયના સાંસદોને તો ઘરભેગા જ કરાશે. ભાજપે તેના માટે દરેક બેઠક પર તેના માટે ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ પ્રક્રિયા સતત બે દિવસ ચાલશે અને પછી 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં રાજ્યના સંસદીય બોર્ડની બેઠક યોજાશે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસે આ બેઠક યોજાશે.