ગુજરાતમાં ભાજપે ચૂંટણી ફંડ ભેગુ કરવા પાંચ સભ્યોની સમિતિ બનાવી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા છો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ચૂંટણીનું ફંડ ભેગું કરવા માટે પાંચ સભ્યોની સમિતિનું ગઠન કર્યું છે. ભાજપના ઇતિહાસમાં આવી સમિતિની રચના ક્યારેય થઇ નથી અને પાટીલનો આ પ્રયોગ છે. આ સમિતિનું મુખ્ય કાર્ય ચૂંટણી ફંડ ઉઘરાવવાનું અને તે ફંડનું યોગ્ય દિશામાં વ્યવસ્થાપન થાય તે જોવાનું રહેશે. આ સમિતિમાં અધ્યક્ષ પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ખજાનચી સુરેન્દ્ર પટેલ અને સહ ખજાનચી ધર્મેન્દ્રનો સમાવેશ કરાયો છે.
પ્રદેશ પ્રમુખ પાટીલે રચેલી ચૂંટણી ફંડ એકત્ર કરવા માટેની કમિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકરનો સમાવેશ કર્યો છે. ચૂંટણી ફંડ ઉઘરાવવામાં સીએમનું સારૂ એવું વજન પડી શકે તેમ છે. રન્નાકર મહામંત્રી હોય સમિતિમાં સ્થાન અપાયું છે. જ્યારે સુરેન્દ્ર પટેલ અને ધર્મેન્દ્રભાઈ ખજાનચી તરીકે કારય કરી જ રહ્યા છે. પાટીલના અધ્યક્ષસ્થાને બનેલી આ સમિતિ હવે ભાજપ માટે આગામી દિવસોમાં ફંડ ઉઘરાવવાની કાર્યવાહી તેજ કરશે . પાટીલ અને મુખ્યમંત્રી તેમના હોદ્દાને અનુરૂપ ફંડ લાવી આપી શકે તે જોતાં જ તેમને આ સમિતિમાં લેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ભાજપ કોર્પોરેટ અને ઉદ્યોગકારો પાસેથી તો ફંડ લેતી જ હતી આ ઉપરાંત ધનદાન યોજના જેવા કાર્યક્રમ થકી ક્રાઉડ ફંડિંગ પણ કર્યું હતું. પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને તેમના હોદ્દા અનુસાર ફંડ લાવવાના ટાર્ગેટ પણ અપાશે.