અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડિબાંગ ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો અનુભવાય રહ્યો છે. છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે બુધવારે બપોર સુધીમાં 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ જવાના કારણે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે હળવા ઝાપટાં પડી રહ્યા છે. જો કે હવે મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી 24 કલાકમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં બુધવારે સવારે 7 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધીકામાં પાંચ ઈંચ પડ્યો હતો. આજે બુધવારે બપોર સુધીમાં 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ મોન્સૂન ટ્રફ(વરસાદની સિસ્ટમ)ને કારણે વરસાદની વધઘટ થતી હોય છે. હાલમાં ગુજરાતની આસપાસ મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ હજુ 24 કલાક ગુજરાત આસપાસ સક્રિય રહેશે, પરંતુ, 11 જુલાઇથી આ સિસ્ટમ ફરી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે, જેથી 15 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આગાહી અનુસાર, વરસાદ વરસતો નથી. ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.