1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં મુખ્યમંત્રીએ નવી ટેક્સટાઈલ પોલિસી-2024ને લોન્ચ કરી
ગુજરાતમાં મુખ્યમંત્રીએ નવી ટેક્સટાઈલ પોલિસી-2024ને લોન્ચ કરી

ગુજરાતમાં મુખ્યમંત્રીએ નવી ટેક્સટાઈલ પોલિસી-2024ને લોન્ચ કરી

0
Social Share
  • ટેક્સટાઈલ ઉદ્યોગ માટે રાજ્યમાં સુદ્રઢ ઈકોસિસ્ટમનું નિર્માણ થયુ,
  • રાજ્યમાં 40 ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેઈડ ફાઈબરમાંથી થાય છે,
  • ટેકનીકલ ટેક્સટાઈલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024નું લોન્ચિંગ કર્યું હતું.

તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા સહિતની સુવિધાના 418  કરોડ રૂપિયાના વિકાસ કામોના ઈ-ખાતમૂર્હત અને રૂ. 146  કરોડના કાર્યોના ઈ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીએ ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, મુખ્યસચિવ  રાજકુમારની ઉપસ્થિતિમાં ઇન્સેટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે 5500  ઉદ્યોગ એકમોને 1100  કરોડની સહાયનું વિતરણ અને કુલ 699  કરોડની કિંમતના ક્વોરી લીઝના લેટર ઓફ ઇન્ટેન્ટનું વિતરણ પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ઉદ્યોગ સાહસિકતા દિવસના કાર્યક્રમમાં કર્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઈલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી 2012માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી. એટલું જ નહિ, આના પરિણામે રાજ્યમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટેની સુદ્રઢ ઈકોસીસ્ટમનું નિર્માણ થયુ અને ૩૫ લાખ જેટલા સ્પીન્ડલ્સની સ્થાપના થઈ સાથોસાથ 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયુ અને અઢી લાખથી વધુ રોજગારી ઉભી થઈ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે,  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ સેક્ટર સ્પેસિફિક પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ અને ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પ્રો એક્ટીવ અભિગમથી પ્રસ્થાપિત
કરી છે.મુખ્યમંત્રી તરીકેના તેમના સાશન દાયિત્વમાં તેમણે ગુજરાતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન દ્વારા રોજગાર વૃદ્ધિના વિઝન સાથે ટેક્સટાઈલ પોલિસી સહિત બહુવિધ પોલિસીઝ અમલી બનાવી હતી. 2012માં  નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ટેક્સટાઈલ પોલિસીની સફળતાને પગલે 2017માં ગાર્મેન્ટ અને એપેરલ ઉદ્યોગ માટે પાંચ વર્ષની ખાસ નિતી જાહેર કરવામાં આવી હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, 2017ની ખાસ નીતિ પછી 2019 માં નવી પોલીસી જાહેર કરવામાં આવી અને આ બધી જ પોલીસીઝને પરિણામે રાજ્યના કાપડ ઉદ્યોગને વેગ મળતાં પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.

તેમણે ટેક્સટાઈલ પોલિસી-2024ની જાહેરાત કરતા ઉમેર્યુ કે, ગુજરાતમાં 40% ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબર માંથી થાય છે અને ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત 25 ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

આ સંદર્ભમાં રાજ્ય સરકારે ટેક્સટાઈલવેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ આ નવી ટેક્સટાઈલ પોલિસી  2024માં અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી  2024માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની મહિલાઓના સ્વ સહાય જૂથ-સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિ પર ભાર મૂકવા સાથે રોજગારીની તકો વધુ મજબૂત બનાવવાની નેમ રાખી છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પુરક બને અને વિકસિત ભારત @ 2047માં ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા ઉદાત્ત અભિગમથી આ ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર કરી છે.

તેમણે જણાવ્યું કે આ નવી પોલીસીના પરિણામે ભવિષ્યમાં અંદાજે 30,000 કરોડ જેટલું મૂડી રોકાણ રાજ્યમાં આવશે તેમજ વડાપ્રધાનએ ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સશક્તિકરણ માટે ગ્યાનનો જે એપ્રોચ આપનાવ્યો છે તેમાં યુવા અને મહિલાઓને રોજગારી અને કપાસ ઉત્પાદક ખેડૂતોને મહત્તમ લાભ આપવામાં આ પોલીસી ઉપયુક્ત બનશે.

મુખ્યમંત્રીએ પીએમ મિત્રા પાર્ક, નવી ટેક્સટાઇલ પોલિસી તથા કાપડ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈનના વિકાસથી ઇકો સિસ્ટમ મજબૂત બનશે તે વિકસિત ગુજરાતના નિર્માણને નવી દિશા આપશે તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code