અમદાવાદઃ રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયા બાદ હવે વરસાદ ખેંચાતા વાતાવરણમાં ઉકળાટ વધી રહ્યો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન નવસારી ચિખલી એક મી.મી. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણા તાલુકામાં 3 મી.મી તથા નર્મદા જિલ્લાના તિલકવાડામાં 2 મી.મી. વરસાદપડ્યો હતો. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેના કારણે વાતાવરણમાં બફારો વધ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ થવાના કોઈ સંકેતો નથી. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા થવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કચ્છ ઝોનમાં 12.62, ઉત્તર ગુજરાતમાં 12.82, દક્ષિણ ગુજરાતમાં 16.87, મધ્ય ગુજરાતમાં 14.85 અને સૌરાષ્ટ્રમાં 12.17 ટકા સીઝનનો અત્યાર સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 122.16 મીમી એટલે કે 4.80 ઈંચ વરસાદ થયો છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 92.8 મીમી વરસાદ વરસ્યો છે. જે છેલ્લા 7 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લા 7 વર્ષમાં 2015 માં સૌથી વધુ સરેરાશ 115.2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો સરેરાશ 28 મીમી વરસાદ 2016 માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ 2017 માં સરેરાશ 86.4 મીમી, વર્ષ 2018 માં સરેરાશ 65.2 મીમી, વર્ષ 2019 માં સેરાશ 89.6 મીમી અને વર્ષ 2020 માં સરેરાશ 73.2 મીમી વરસાદ નોંધાયો હતો.
વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાં ચોમાસુ તેના નિયત સમય કરતાં 8 દિવસ વહેલું શરૂ થયું હતું. તેમજ ચોમાસાની એન્ટ્રીના પ્રથમ 6 દિવસ સતત સાર્વત્રિક વરસાદ સારો વરસાદ મળ્યો હતો. સામાન્ય રીતે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જૂન મહિનામાં ચોમાસુ ઓછુ સક્રિય રહેતું હોય છે. પરંતુ ચાલુ સાલે મહેસાણામાં 105 મીમી, પાટણમાં 107 મીમી અને બનાસકાંઠામાં 86 મીમી સરેરાશ વરસાદે છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બનાવ્યો છે. ત્રણેય જિલ્લામાં છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછા વરસાદની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાં વર્ષ 2016 માં 23 મીમી, પાટણમાં વર્ષ 2015 માં 19 મીમી અને બનાસકાંઠામાં વર્ષ 2016 માં 19 મીમી સરેરાશ વરસાદ નોંધાયો હતો.
વર્ષ 2015 માં સાબરકાંઠામાં સરેરાશ 207 મીમી અને અરવલ્લીમાં સરેરાશ 224 મીમી વરસાદ વરસ્યો હતો. જે છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ રહ્યો છે. જ્યારે વર્ષ 2017 માં રસાબરકાંઠામાં સરેરાશ માત્ર 38 મીમી અને અરવલ્લીમાં સરેરાશ માત્ર 37 મીમી વરસાદ 7 વર્ષમાં સૌથી ઓછો વરસાદનો રેકોર્ડ રહ્યો હતો. ચાલુ સિઝનમાં સાબરકાંઠામાં સરેરાશ 95 મીમી વરસાદ નોંધાયો છે. જે છેલ્લા 7 વર્ષમાં ત્રીજી વખત જૂનનો સૌથી ઓછો વરસાદ રહ્યો છે. જ્યારે અરવલ્લીમાં સરેરાશ 68 મીમી વરસાદ 7 વર્ષમાં ચોથી વખત જૂનમાં ઓછો વરસાદ રહ્યો છે.