Site icon Revoi.in

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 182 વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા તમામ 182  વિધાનસભા બેઠકો પર પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી 1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, કોંગ્રેસે ‘કોંગ્રેસનું કામ બોલે છે’ શિર્ષક હેઠળ ‘બોલો સરકાર’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત તત્કાલીન કોંગ્રેસની સરકારમાં થયેલા કામોની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.  આ ઉપરાંત કોંગ્રેસ પણ ભાજપની જેમ  સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપી રહ્યું છે. અને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી કાઢી છે. ‘મારું બુથ મારું ગૌરવ’ કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. 52 હજાર બુથની વિગતો એકત્રિત કરવામાં આવી છે. તાલુકા પ્રમુખોને ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ કોંગ્રેસની નવી ટેગ લાઈન ચર્ચામાં આવી છે. અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસનું કામ બોલે છે એવા પોસ્ટર લાગી રહ્યા છે.આ અંતર્ગત ‘બોલો સરકાર’  કેમ્પેઈને પણ કોંગ્રેસ દ્વારા લોન્ચ કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસનો મુખ્ય મુદ્દો બેરોજગારી અને મોંઘવારી રહેશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સતત સરકાર પર નિશાન સાધતી રહેશે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈ અન્ય મુદ્દે હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. નોંધનીય છે કે આ યાત્રામાં જનતાને જોડાવવા પણ અપિલ કરાશે. તથા લોકો સ્વેચ્છાએ પોતાના મુદ્દાઓ રજૂ કરી શકશે. કોંગ્રેસે ભાવનગર ખાતે મેનિફેસ્ટો પરિસંવાદનું આયોજન કરાયુ હતુ. આના માટે લોકોના મત પણ લેવાયા હતા કે ક્યા શું પરિવર્તન લાવવું જોઈએ. વળી પરેશ ધાનાણીએ આ વેળા એવી જાહેરાત કરી દીધી કે કોંગ્રેસ તો 150થી વધુ બેઠક પર વિજયી થઈ જશે. આમ કહીને કાર્યકર્તાઓનો જુસ્સો પણ વધારી દીધો છે.