અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાને બદલે મે મહિનામાં લેવામાં આવશે. દરમિયાન ધો-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉ.બુ.પ્રવાહની તમામ પરીક્ષા ફોર્મ રગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તા. 22મી માર્ચ સુધી પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે માટે અલગથી કોઈ જ લેઈટ ફી લેવામાં નહીં આવે. વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાં મુક્તિ આપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે. જે માટે બોર્ડ દ્રારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા પણ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવી રહ્યાં છે. ધો-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. શાળાએ ફાઈનલ અપ્રુવલ કરેલી હોય અને પરીક્ષાના ફોર્મ ભરવાનાં કે સુધારા કરવાનાં બાકી હોય તો ફાઈનલ અપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી પરીક્ષા ફોર્મ ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવાની સુચનાઓ સાથે ફી ભરવા સંબંધીત સ્પષ્ટ સુચનાઓ પણ મૂકવામાં આવી છે. એટલે હવે ધો.12ના સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાનાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આગામી તા.22 માર્ચ 2021 સુધી બોર્ડની વેબસાઈટપર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 10 મહિનાઓ સુધી સ્કૂલ બંધ રહી હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા પ્રથમ ધો-10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તબક્કાવાર સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. તેમજ જે વિદ્યાર્થીઓ સ્કૂલ નહીં આવતા હોવાથી તેમને ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે.