ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવાતા સૌથી મોટો ફાયદો ખેડુતોને થઈ રહ્યો છે. ઓનલાઈન કામગીરીને લીધે ભ્રષ્ટ્રાચારમાં પણ ખાસ્સો ઘટાડો થયો છે.મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બની છે. જેમાં એક i-ORA પ્લેટફોર્મ અત્યંત નોંધનીય છે. જેના દ્વારા વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે હવે ખાતેદાર પોતે વારસાઇની નોંધ ઓનલાઇન દાખલ કરાવી શકશે. તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. ઇન્ટિગ્રેટેડ રેવન્યૂ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (iRCMS) દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરાયું છે. આ ઉપરાંત (1) નોંધણી ફી (2) સ્ટેમ્પ ડ્યૂટીની ઓનલાઇન ગણતરી (3) ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ (4) દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયોગ્રાફી (5) થમ્બ ઇમ્પ્રેશન (6) ફોટોગ્રાફી (7) દસ્તાવેજનું સ્કેનીંગ, પ્રિન્ટિંગ (8) ઓનલાઇન જાળવણી (9) સર્ચ (10) ઇન્ડેક્સ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરતા અરજદારોને મોટો ફાયદો થયો છે.
મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડુત ખાતેદારોને વારસાઈ નોંધ માટે તલાટીથી લઈને મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડતા હતા. હવે ઓનલાઈન વારસાઈ નોંધ કરી શકવાથી ખાતેદારોનો સમય બચશે. સાથે જ ભ્રષ્ટાચાર પર પણ અંકુશ આવશે. હવે, સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઉપલબ્ધ ભૌતિક સ્વરૂપના રેકર્ડ (Index-2 વોલ્યુમ) ગરવી વેબ એપ્લિકેશન મારફતે લોકોને ઘેરબેઠા ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરાયું છે. આગામી સમયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 31 (દસ્તાવેજ કરતાં અગાઉ વાપરવાની સ્ટેમ્પ ડયુટી અંગે અભિપ્રાય મેળવવો), કલમ-40 (ઓછી ભરાયેલી સ્ટેમ્પ ડયુટી ભરવા તે થયા તારીખથી એક વર્ષમાં સામેથી ડયુટી ભરવા રજૂ કરવો), કલમ-53 (1) (નાયબ કલેક્ટરના ડયુટી ભરવાના હુકમ સામે મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારીને અપીલ) અને કલમ 53-ક (નાયબ કલેક્ટર દ્વારા ઓછી ડયુટી લીધેલી હોય તો મુખ્ય નિયંત્રક મહેસૂલી પ્રાધિકારી ધ્વારા રીવ્યૂ) અંગેના કેસોની કામગીરી ઓન લાઇન કરવાનું આયોજન છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનિયા સ્કેન કરી વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં.–6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં છેલ્લા છ માસ દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા જે કેટલાક અન્ય પગલાં ભરાયા છે. તે મુજબ, મિલ્કત નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi’ના માધ્યમથી સબ રજિસ્ટ્રાર કક્ષાએ દસ્તાવેજ નોંધણી બાદ અરજદારને ડિજીટલી સાઇન્ડ પ્રમાણિત નકલની ઉપલબ્ધિ થઈ શકે છે. ઇન્ડેક્સ-2 અને બોજા પ્રમાણપત્ર ઓનલાઇન ઘરે બેઠા મેળવવાની સુવિધા પ્રાપ્ત થઈ છે. દસ્તાવેજોની નોંધણી કરીને એક દિવસમાં જ તે દસ્તાવેજ પક્ષકારને પરત મળી જાય છે. નોંધણી ફી, સર્ચ ફી, નકલ ફી માત્ર ઓનલાઇન સ્વીકારાય છે. ખેતી, સીટી સર્વેની મિલકતના દસ્તાવેજની નોંધણી બાદ ઓટો મ્યુટેશન થઈ શકે છે. ગુજરાતના 117 જેટલા તાલુકાઓની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વધુ યુઝર ફ્રેન્ડલી, દસ્તાવેજ નોંધણી માટે વેબ એપ્લિકેશન ‘Garvi 2.0’ શરુ (Live) કરવામાં આવી છે.