Site icon Revoi.in

ગુજરાતમાં માસ્કનો દંડ રૂપિયા 1000થી ઘટાડીને 500 કરવા સરકાર હાઈકોર્ટમાં રજુઆત કરશે

Social Share

અમદાવાદઃરાજ્યમાં છેલ્લા સવા મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધી છે. કોરોનાનો ત્રીજો વેવ આવે તેવી શક્યતા પણ છે. ત્યારે કોરોનાનું સંભવિત સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ માસ્ક ન પહેરનારા પાસેથી હાલ રૂપિયા 1000નો દંડ વસુલવામાં આવે છે.

હવે ગુજરાત સરકાર માસ્કનો દંડ ઘટાડવાનું વિચારી રહી છે. માસ્કના દંડમાં 50 ટકાનો ઘટાડો કરવા અંગે સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરશે. એટલે કે માસ્કના દંડને 1000થી ઘટાડીને 500 રુપિયા કરવા અંગે હાઈકોર્ટને અનુરોધ કરવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંબંધિત વિભાગોને સૂચના આપી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

કોરોનાની મહામારીમાં નાગરિકો નિયમોનું પાલન કરે તે માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આવામાં કામના સ્થળ પર અને ઘરની બહાર નીકળીને માસ્ક ફરજિયાત પહેરવા માટેનો નિયમ લાગુ કરાયો છે. જેમાં જો વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય તો 1000 રુપિયા દંડ વસૂલવામાં આવે છે અને નાકથી નીચે માસ્ક હોય તો 200 રુપિયાના દંડની જોગવાઈ કરાઈ છે.

આવામાં માસ્કના 1000 રુપિયા દંડમાં ક્યારેક ગરીબ વ્યક્તિ સપડાઈ જતા તેમને મોટો આર્થિક ફટકો પડતો હોય છે આ સિવાય સોશિયલ મીડિયા પર પણ માસ્કના દંડની કિંમત વધુ હોવાની અનેક પોસ્ટ થતી રહે છે. આવામાં ઘણી વખત દંડ બાબતે પોલીસ અને નાગરિકો વચ્ચે માહોલ ગરમ થવાના કિસ્સા પણ બન્યા હતા.

કોરોનાની બીજી લહેરના કપરા સમય દરમિયાન લોકોએ સ્વૈચ્છાએ સ્વચ્છતા અને સુરક્ષાનું પાલન કરવાનું શરુ કર્યું છે. આમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે રુપાણી સરકારના આદેશ પર સંબંધિત વિભાગોને હાઈકોર્ટમાં દંડની રકમ 1000થી ઘટાડીને 500 કરવામાં આવે તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરવા માટે જણાવ્યું છે.