ગુજરાતમાં LRDની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પ્રશ્નો સહેલા પૂછાતા ઉમેદવારોમાં આનંદ છવાયો
અમદાવાદઃ રાજ્યમાં હાલ LRDની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં રવિવારે રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના સવાલ ઓછા હતા, જેની સામે રાજકારણને લગતા સવાલ વધુ હતા. પરીક્ષા દરમિયાન ચોરીની બે ઘટના નોંધાઈ હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ પોલીસ અધિકારીઓએ પણ પરીક્ષા કેન્દ્રની કરી મુલાકાત લીધી હતી. સવારથી જ LRDની પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં રવિવારે એલઆરડીની સ્પર્ધાત્મક પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.પરીક્ષા પૂરી થયા બાદ લોકરક્ષક દળ(LRD)ની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થઈ નથી. પરીક્ષા દરમિયાન વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા LRDની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી હતી. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાઈ હતી. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી. 2.95 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ હતું કે, પરીક્ષા કેન્દ્રો પર પહોંચનારા તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરવામાં આવ્યુ હતું અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. ઉમેદવારોની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ હતી. એક જ વિસ્તારના ઉમેદવારોને અલગ-અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ કરાયુ હતું. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકવામાં આવ્યા હતા.
LRDની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ OMR શીટના કવરનું સીલ ખોલાયું હતું. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ LRDમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રાખીને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરવાની સિસ્ટમ ગોઠવાઈ હતી. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવી જરૂરી છે.