Site icon Revoi.in

ગુજરાતમાં પારસીઓનું નવું વર્ષ પતેતી ભારે આનંદોલ્લાસથી ઊજવાયું

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં દુધમાં સાંકરની જેમ ભળી ગયેલા પારસીઓએ આજે પતેતીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવ્યું હતું. નવસારી શહેરના તરોટા બજાર સ્થિત અગિયારીમા પાક આતસ બહેરામને પ્રાર્થના કરી હર્ષોલ્લાસ સાથે ૧૩૯૧મું પારસી નવું વર્ષ પતેતી ઉજવ્યુ હતુ. અમદાવાદ સહિત મહાનગરોમાં પારસીઓએ અગિયારીમાં જઈને બહેરામને પ્રાથના કરી હતી.

ગુજરાતમાં નવસારીમાં પારસીઓની સારી વસતી છે. હજારો વર્ષ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહિં દુધમાં સાંકરની જેમ ભળી ગયા હતા. સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા, અહિં તેમને ઈરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો, જેથી પારસીઓએ નવુ સારી નામ આપ્યુ અને આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.

પારસીઓના 10 દિવસના મુક્તાદ બાદ આજથી એમના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને પારસી ઓ પતેતી તરીકે મનાવે છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને જોતા મોટેભાગના પારસી પરિવારોએ પોતાના ઘરે જ રહીને પુજા અર્ચના કરી હતી. જોકે કેટલાક પરિવારોએ આજે વહેલી સવારથી પારસીઓ શહેરની 200 વર્ષથી પણ જુની પારસી અગિયારીએ ઉમટી પડ્યા હતા અને આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતી આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પારસી સમુદાયના સૌ નાગરિક ભાઈ બહેનોને પતેતી પર્વના નવરોઝ મુબારક પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ સદીઓ પહેલા ગુજરાતના સંજાણ બંદરે ઉતરેલા પારસી પરિવારો આપણા સમાજ જીવનમાં દૂધમાં સાકર જેમ ભળી ગયા છે અને સામાજિક સમરસતાનું આગવું ઉદાહરણ બન્યા છે તેનું સ્મરણ પણ પતેતી પર્વ નિમિતે પાઠવેલી શુભેચ્છાઓમાં કર્યું હતું. મુખ્યમંત્રીએ પારસી સમાજે  વિવિધ ક્ષેત્રોમાં આપેલી સખાવતો, દાન અને સેવા ભાવનાની પણ સરાહના સમગ્ર પારસી સમુદાયને નવરોઝ મુબારક પાઠવતા કરી છે.