અમદાવાદઃ ગુજરાતના વન વિભાગના પ્રયાસો અને લોકોમાં પણ આવેલી જાગૃતીના કારણે વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. દીપડા અને રીંછની સંખ્યા પણ વધી છે. જોકે, પ્રકૃતિના સફાઇ કામદાર ગણાતા ગીધ 225 ટકા ઘટી ગયા છે. દર ત્રીજી માર્ચના રોજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક અને 23 વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરી છે. આ નેશનલ પાર્ક્સ અને સેન્ક્ચુરી મળીને કુલ વિસ્તાર 16,642 ચોરસ કિલોમીટર છે. ગીર નેશનલ પાર્ક સહિત 4 સેન્ચુરીમાં સિંહનો વસવાટ છે.
ગુજરાતમાં વન વિભાગના પ્રયાસો અને માલધારીઓ, ખેડુતો વગેરેમાં આવેલી જાગૃતીના કારણે સિંહ સહિત વન્ય પ્રાણોમાં વધારો થયો છે. સિંહો વન વિસ્તાર છોડીને રેવન્યું વિસ્તારોમાં આવી રહ્યા છે. તાજેતરમાં તો વન વિસ્તાર છોડીને છેક ભાવનગરના વલ્લભીપુર સુધી સિંહ આવી પહોંચ્યા હતા. બીજીબાજુ છેક ચોટિલા સુધી પણ સિંહ આવ્યા હતા. પરંતુ લોકો જ સિંહને કોઈ ખલેલ પહોંચાડતા નથી.તેથી સિંહની વસતીમાં વધારો થયો છે.
રાજ્યમાં વન પ્રાણીઓ અને પક્ષી અભ્યારણ્યને લીધે પ્રવાસનનો પણ સોરોએવો વિકાસ થયો છે. 2020-21માં રાજ્યના નેશનલ પાર્ક્સ અને સેન્ચુરીઝમાં મળીને કુલ 2.35 લાખ મુલાકાતીઓ આવ્યા હતા જેમાંથી સરકારને રૂ. 3.75 કરોડની આવક થઇ હતી. સૌથી વધારે એક લાખથી વધુ મુલાકાતીઓએ ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. 35 હજાર મુલાકાતીઓ થોળ સેન્ચુરીમાં ગયા હતા. છેલ્લાં 5 વર્ષમાં 6.69 લાખ મુલાકાતીઓએ ગીર જંગલની મોજ માણી છે. કોરોનાના કારણે ગીરમાં આવતા મુલાકાતીઓ ઘટી ગયા હતા. છેલ્લાં 5 વર્ષમાં પોણા બે લાખ લોકોએ નળસરોવરની મુલાકાત લીધી હતી. વન્યજીવો અને માનવ સંઘર્ષના કેસોમાં વધારો થયો છે.