Site icon Revoi.in

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર, ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રવિવારે 8500થી વધારે ગ્રામ પંચાયતમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી. આજે સવારથી જ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેથી વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ઉજવણી કરી હતી. બીજી તરફ મત ગણતરી કેન્દ્રો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીનાં વેજલપોર ગ્રા.પં.નું પરિણામ જાહેર થયું હતું. સપરંચ તરીકે જયશ્રીબેન હળપતિ વિજેતા થયાં હતા. ભુજના વડવા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે જીતુ જાડેજા, જામ કંડોરણાના થોરડીમાં મીનાબા જાડેજા, ડીસાના સાંડિયા ગ્રામ પંચાયતમાં નરસિંહભાઈ આલ, માલપુરના કીડીયાદ ગ્રામ પંચાયતમાં મંગીબેન ભરવાડ, દસ્ક્રોઈના લીલાપુર ગામમાં ઉષાબેન ઠાકોર, કપડવંજના ભોજાના મુવાડા ગામના મંજુબાબેન પટેલ, રમોસડી ગામમાં જાગૃતિબેન વાઘેલા, મોરબીના માયાપુર ગામમાં નથુભાઈ કણઝરિયા, અમદાવાદના ઝુંડ ગામમાં હિનાબેન પટેલ, તાજપુરમાં અમૃત ચૌહાણ, કચ્છના આણંદસર ગામમાં જયાબેન રૂડાણી વિજેતા થયાં હતા.

ગુજરાતમાં 8500થી વધારે ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં 74 ટકા મતદાન થયું હતું. જ્યારે 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 344 સ્થળો પર અને 1,711 હોલમાં મત ગણતરી થશે. રાજ્યમાં કુલ 4,519 ટેબલ પર મતગણતરી થશે. આ કામગીરીમાં કુલ 19,916 સ્ટાફ મતગણતરીમાં જોડાશે.