અમદાવાદઃ ગુજરાતભરમાં મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. શિવરાત્રીના પર્વે દેવાધિદેવ મહાદેવજીને દૂધના અભિષેકનું વિશેષ મહાત્મ્ય હોવાથી ભાવિકોએ મહાદેવજીને દૂધને અભિષેક કર્યો હતો. ઉપરાંત શિવરાત્રીમાં ભાવિકો ઉપવાસ કરતા હોય છે. અને સકરિયા સાથે દૂધના આહાર લેતા હોવાથી દૂધની માગ વધી હતી. તેના લીધે ગુજરાતમાં લાકો લિટર દુધનું વેચાણ થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મહાશિવરાત્રીને લઈને સુરત શહેરમાં સુમુલ ડેરીમાં દૂધના વેચાણમાં રેકોર્ડ તુટ્યો છે. શનિવારે સુમુલ ડેરીમાંથી ઓલટાઈમ હાઈ 15,42,733 લીટર દૂધનું વેચાણ થયું હતુ. શિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધ ચડાવવાની પ્રથા છે, શનિવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત રાજકોટમાં શનિવારે શિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થઇ હતી. વહેલી સવારથી જ ભક્તો શિવાલયમાં દર્શન- પૂજા માટે પહોંચી ગયા હતા અને મોડીરાત સુધી ધસારો ચાલુ રહ્યો હતો. શિવરાત્રી હોવાને કારણે રાજકોટ શહેર- જિલ્લામાં દૈનિક જરૂરિયાત કરતા 10 હજાર લિટર વધુ દૂધનો ઉપાડ થયો હોવાનું ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા જણાવ્યું હતુ.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, હિંમતનગર, સહિત રાજ્યભરમાં શનિવારે દુધનું રેકર્ડબ્રેક વેચાણ થયું હતુ. મહાશિવરાત્રીના દિવસે સુરતમાં 15.42 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું, ગત વર્ષે મહાશિવરાત્રીના દિવસે 15,04,100 લીટર દૂધનું વેચાણ થયું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે 38,633 લીટર વધારે દૂધનું વેચાણ થયું હતું. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે કહ્યું હતું કે, ‘મહાશિવરાત્રીના દિવસે દૂધનું સૌથી વધારે વેચાણ થતું હોય છે, જેને લઈને સુમુલ ડેરી દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવે છે, દૂધ અને તેની બનાવટોના વેચાણથી પશુપાલકોને ફાયદો થાય છે.