અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસની જેમ આમ આદમીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી ત્રિરંગા યાત્રા, જનસંવેદના યાત્રા યોજીને પ્રચાર કરી રહી છે, ત્યારે પાર્ટીએ ગુજરાતના પ્રદેશના માળકાને વિખેરી નાંખ્યું છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સિવાય તમામ પદાધિકારીઓ પાશેથી હોદ્દાઓ લઈ લેવામાં આવ્યા છે. એકાએક આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો તે અંગે ચર્ચાઓ જાગી છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પાર્ટીનું માળખું વિખેરવાની પણ જાહેરાત કરી હતી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા કરી, જનસંવેદના યાત્રાઓ કરીને ગામડાંમાં બેઠકો યોજી છે. જેમાં લોકોનો અમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલા યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. હું અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ વ્યૂહરચના મૂકી છે.પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય આખું માળખું વિખેરી નાંખવામાં આવ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી જીતવાની વ્યૂહરચનાના ભાગરૂપે સંગઠનના માળખાને વિખેરવામાં આવ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે. નવા માળખાની જાહેરાત ટૂંક સમયમાં કરવા આવશે. આજદિન સુધી માળખું લોકો સુધી વાત પહોંચાડવા સુધીનું હતું.હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે.તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે.